સાવરકુંડલા લાલધામ ગૌશાળા ખાતે ત્રિવિધ મહોત્સવ યોજાયો.
સાવરકુંડલા શ્રી લાલધામ ગૌશાળા ખાતે તા. ૧૧ જાન્યુ.૨૪ ના રોજ સતગુરુશ્રી હસુબાપુની નિર્વાણતિથિ નિમિત્તે અને લાલધામ આશ્રમના નવનિર્મિત ગૌશાળાના લાભાર્થે સંતવાણી, જમા જાગરણ પાટોત્સવ તથા ભગવાનશ્રી રામદેવજી મહારાજ અને ભક્ત શિરોમણી માઁ ડાલીબાઇ માતાજીનાં નિજ મંદિરનું ખાતમુર્હુત કાર્યક્રમ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ તથા જૂનાગઢ પ્રેરણાધામ આશ્રમના મહંતશ્રી લાલજી મહારાજનાં સાનિધ્યમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને પૂજ્ય લાલબાપા તથા પૂજ્ય હસુબાપુ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવેલ “તમામ જ્ઞાતિમાંથી સાધુ હોઈ શકે,
પરંતુ સાધુની કોઈ જ્ઞાતિ ન હોઈ શકે”, જે બાદ તેમણે ભગવાન શ્રી રામદેવજી મહારાજ, ભક્ત શિરોમણી માં ડાલીબાઇ માતાજીના નિજ મંદિરનું ખાત મુર્હુત તથા પાટોત્સવની જ્યોત પ્રજ્વલિત કરી હતી. ગિરનાર સિદ્ધ ભૂમિ પ્રેરણાધામના મહંતશ્રી લાલજી મહારાજે આ તબક્કે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જ્યારે માનવ મંદિર સાવરકુંડલાનાં શ્રી ભક્તિરામ બાપુ, હાથીજણ અમરધામ શ્રી ભરતબાપુ, શ્રી દિલુબાપુ, અલખપુરી જૂનાગઢ મહામંડળેશ્વર ૧૦૦૮ ગોવિંદગીરીજી સહીત અન્ય સંતો મહંતો અને જતી સતી અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ નિમિતે યોજાયેલ સંતવાણી કાર્યક્રમમાં સાધ્વી જયશ્રી દાસજી માતાજી તથા શ્રવણદાસજીએ અને લાલધામ આશ્રમના મહંતશ્રી ચંદ્રિકાબહેનજી ગુરુમુખી સંતવાણી જ્યારે લોકસાહિત્યકાર રમેશભાઈ મકવાણાએ લોક સાહિત્યની સરવાણી વહેતી મૂકી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ઉમેશભાઈ ચાવડા દ્વારા કરાયું હતું. જ્યારે લાલધામ આશ્રમના વિશાળ સેવકગણે ત્રિવિધ કાર્યક્રમને આસ્થાપૂર્ણ માણ્યો હતો. આખાય કાર્યક્રમને સફળ બનાવવા લાલધામ આશ્રમના મહંત શ્રી ચંદ્રિકાબહેનજી ગુરુશ્રી હસુબાપુની દેખરેખ હેઠળ સુપેરે સપન્ન થયો હતો.
Recent Comments