હજુ થોડા દિવસો પહેલાંની જ વાત છે. સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર બે બાળકો સવારના સમયે રસ્તાની સાઈડમાં કચરો સાફ કરીને સળગાવી રહ્યાં હતાં. કુતૂહલવશ તેઓની પાસે જઈને બંને બાળકોને આ શું સળગાવી રહ્યાં છો? એમ પૂછતાં ખૂબ જ નિર્દોષભાવે તેઓએ જણાવ્યું હતું કે સાહેબ અમે આ રસ્તા પર આજુબાજમાં પડેલ પ્લાસ્ટિકની સામગ્રીઓ એકઠી કરીને તેનો નાશ કરવા માટે સળગાવી રહ્યાં છીએ. પૂછ્યું શા માટે? તો ખૂબ જ ટૂંકમાં જવાબ આપ્યો કે ગાયો ખાયને તો બિમાર પડી જાય સાહેબ. આમ પ્લાસ્ટિકની દુરગામી અસરો વિશે વિશેષ તો કશું ન જાણતાં આ બાળકો એટલું તો અવશ્ય જાણતાં હતાં કે આવી રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની સામગ્રી પશુઓ માટે નુકસાનકારક છે.
જો આવા નાના બાળકો પણ આ પ્લાસ્ટિકની રસ્તા પર ફેંકી દેવાયેલ સામગ્રી માટે આટલા ચિંતિત હોય તો પછી આપણે તો પ્લાસ્ટિકની વિઘાતક અસરો વિશે અવારનવાર વર્તમાનપત્રો, સામયિકો, સોશ્યલ મિડિયાના માધ્યમ થકી પણ ઘણું બધું જાણતાં હોઈએ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સમગ્ર પર્યાવરણ માટે નુકસાનકારક હોય તેમજ ગાય જેવા પવિત્ર પ્રાણી જો પ્લાસ્ટિક આરોગે તો તેનુ શું પરિણામ આવે? એ બધી વિગતો જાણતાં હોઈએ એટલે પ્લાસ્ટિક એમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો પણ સેવાકીય મોટું કાર્ય જ થયું ગણાય. આવી સામગ્રી રસ્તા પર ફરતી ગાયમાતા આરોગે તો બિમાર તો પડે જ પરંતુ ઘણી વખત તો મૃત્યુ પણ પામતી હોય છે. આવી ઘટનાઓ નિવારવા તેમજ પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરવાનું વિચારીએ. બઝારમાં ખરીદી કરવા જઈએ ત્યારે કાપડની થેલી સાથે લઈ જઈએ અને પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરીએ. સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશને સૌ સાથે મળીને વેગવાન બનાવીએ. એક કદમ હું ચાલું એક કદમ તમે પણ ચાલો.. ચાલશો’ને?
Recent Comments