અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજરોજ રામજન્મોત્સવની  ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આજરોજ રામજન્મોત્સવની  ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. રામજન્મોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ધર્મપ્રેમી જનતા પણ ઠેર ઠેર દર્શનાર્થે ઉમટી પડી.

સાવરકુંડલા શહેરમાં આજરોજ શ્રી રામજન્મોત્સવની ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. શહેરમાં રામજન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી. આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના વાહનો સાથે ધર્મપ્રેમી લોકો પણ જોડાયા હતાં. બપોરે ત્રણ વાગ્યા પછી જેસર રોડ સ્થિત સનાતન આશ્રમ ખાતેથી ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા સમગ્ર શહેરનાં વિવિધ મુકરર કરેલાં રૂટ પરથી પસાર થઈ.. આ શોભાયાત્રાનાં દર્શન કરવા માટે ઠેર ઠેર ધર્મપ્રેમીજનો ઉમટી પડ્યા હતાં. શહેરમાં અનેક સ્થળોએ શોભાયાત્રાને સત્કારવા માટે ઠંડા પીણાં, શરબત, છાશનાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતાં અને આયોજકો લોકોને ખૂબ ભાવ અને પ્રેમથી આગ્રહ કરીને ઠંડા પીણાં છાશ શરબત પીવડાવડાવતાં જોવા મળ્યાં હતાં..

જયશ્રી રામના નારા સાથે સમગ્ર આભામંડળ રથયાત્રા પસાર થતાં ગુંજતું જોવા મળ્યુ હતું.  શોભાયાત્રા દરમિયાન દર વખતની જેમ આ વર્ષે પણ ત્રિશૂલ, ગદા અને વિવિધ ફ્લોટ ચિત્તાકર્ષક રહ્યાં હતાં. નાના બાળકોથી માંડીને વડીલો પણ શોભાયાત્રાના દર્શન કરવા ઠેર ઠેર ગલી મહોલ્લામાં ઉમટી પડ્યા હતાં. નાના નાનાં બાળકોના હાથમાં તીર – કમાન, ગદા જેવા રમકડાથી વાતાવરણ વધુ સુંદર થતું હોય તેવો માહોલ સર્જાયો હતો.

ઠેર ઠેર ડી. જે. સાઉન્ડ સિસ્ટમ પર જયશ્રી રામના ગીતોથી વાતાવરણમાં પવિત્રતા સર્જાતી જોવા મળતી હતી. શોભાયાત્રા દરમિયાન લોકોને પ્રસાદી પણ વિતરણ કરીને મીઠાં મોં કરાવીને ભગવાન શ્રી રામના જન્મોત્સવની ખુશી વ્યક્ત કરવામાં આવતી હતી..આમ ગણીએ તો શોભાયાત્રા દરમિયાન અવધપુરી જેવો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત વચ્ચે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related Posts