સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના સહયોગથી વન્ય પ્રાણી સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો.
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં આજરોજ શાળાના વિશાળ સભાખંડમાં સાવરકુંડલા નોર્મલ રેંજ વન વિભાગ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શાળાના શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય પુર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ.
ત્યાર બાદ નોર્મલ રેન્જ સાવરકુંડલાના આર.એફ.ઓ. ચાંદુ સાહેબના સ્વાગત પ્રવચન સાથે ઉપસ્થિત તમામને સ્નેહભર્યો આવકાર આપવામાં આવેલ. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત વન વિભાગ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનાં ઉદઘોષક તરીકે રણધીરભાઈ વિંછીયાએ ફરજ બજાવી હતી. તો વિજેતા સ્પર્ધકોની યાદીના નામ બારૈયા સાહેબ દ્વારા જાહેર કરવામાં આવેલ.
ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વન્ય જગત પ્રત્યે સંવેદના જાગે અને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ આ ધરાતલ પર માનવી જેટલો જ જીવવાનો અધિકાર છે એ સહ અસ્તિત્વની સમજ નાનપણથી વિકસિત થાય તો વન પ્રકૃતિનું જતન થઈ શકે એ ઉદ્દેશથી સમગ્ર સપ્તાહ દરમિયાન વન્ય પ્રાણીઓને લગતી જુદી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા કે વન્ય પ્રાણીઓ સંદર્ભે પ્રશ્ર્નોતરી જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા અને આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતિય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારા સ્પર્ધકોને ઇનામ અને પ્રમાણ પત્ર દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ.
આ પ્રસંગે તાલુકાની સાત શાળાના એક થી ત્રણ નંબર આવેલા ૨૧ વિદ્યાર્થીઓને માનવ મંદિરના સંત ભક્તિરામબાપુ, આર. એફ. ઓ. ચાંદુ સાહેબ, મુનિસાહેબ, ભારતી બાપુ, મંગળુભાઇ મેવાસાવાળા, દિલાવરખાનભાઈ , પત્રકાર બિપીનભાઈ પાંધી, નિકુંજભાઈ મહેતાના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વક્તા દ્વારા પર્યાવરણ અને વન્ય જીવોની જાળવણી સંદર્ભે સરકારશ્રી દ્વારા થતાં પ્રયાસોની પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ. તો પ્રકૃતિનું જતન કરવાની સૌની સહિયારી જવાબદારી છે અને માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ પ્રકૃતિ અને વન્ય જીવોનું જતન અને સંવર્ધન જરૂરી છે એ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના સતીષભાઈ પાંડે અને તમામ મિત્રો, વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલાના તમામ કર્મચારીઓ તથા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જાદવ સાહેબ તથા હિતેશભાઈ જોષી દ્વારા પણ પૂર્ણ સહકાર મળતાં કાર્યક્રમ ખૂબ સુંદર અને સફળ રહ્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા મહેમાનશ્રીઓ માટે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી..
Recent Comments