અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ બ્રહ્મપુરી ખાતે તારીખ ૧૬ નવેમ્બરના રોજ સાવરકુંડલા ગુરૂકૂળના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋષિત માયાણી આયોજિત ગુરુકુળ સાવરકુંડલાના ૧૯૯૮ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો કૃષ્ણ સુદામા મિલન સ્નેહભીનો ગેટ ટુ ગેધર કાર્યક્રમ ખૂબ સુંદર અને સ્નેહસભર વાતાવરણમાં યોજાયો

સાવરકુંડલા શહેરમાં સહાધ્યાયીઓ સપરિવાર પચ્ચીસ વર્ષ બાદ બહ્મપુરી ખાતે સ્નેહમિલન સમારોહમાં હેતથી હળ્યા મળ્યા. જૂનાં સંસ્મરણો તાજા થયા. હળવી પળોમાં ખૂબ ધીંગામસ્તીની ઝીણી ઝીણી વાતો પણ શેર કરતાં જોવા મળેલ.ખાણીપીણી આનંદ મોજ મજા સાથે નવ વિચારોના બીજાંકુર પણ રોપાયા. સાવરકુંડલા શહેરની ધ્યાનાકર્ષક ઘટના. ગુરૂ શિષ્ય અને બાળસખાઓના મિલનનું  અદ્ભૂત સાયુજ્ય..પોતાના ગુરૂગણને પણ આ તકે જાહેરમાં શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.

સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર તેમજ ગુરુકુળના ભૂતપૂર્વ શિક્ષક એવા બિપીનભાઈ પાંધી (પાંધીસર) નાં જન્મદિવસની પણ કેક કાપીને આ તકે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સ્વરસાધના સંગીત પરિવારની ભવ્ય મ્યુઝિકલ પાર્ટી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જીવનના યાદગાર પ્રસંગ સમા ભાવભર્યા દ્રશ્યો સર્જાયા.આમ ગણીએ તો આજના સમયમાં શિક્ષણ એ ઘણું હાઈટેક થતું જાય છે. આંગળીને વેઢે એક ક્લિક કરીએ એટલે માહિતીનો સ્ત્રોત વહેતો જોવા મળે છે. એક ક્લિકથી આજે વિશ્ર્વના કોઈપણ ખૂણે ડીઝીટલ માધ્યમથી જોડાઈ શકાય છે. એવી પરિસ્થિતિમાં ફીઝીકલ  શિક્ષણ એ જાણે સ્વપ્નવત્ બનતું જતું હોય તેવું લાગે છે એવી વેળાએ આ વર્ચ્યુઅલ ભ્રાંતિને ખાળવા માટે પણ એક બીજાનો સાક્ષાત્કાર, સહકાર અને મિત્રતાની હૂંફ અને ગુરૂજનનું માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે. મિત્રો એટલે ભીંસ પડે ત્યારે ચટ્ટાનની માફક ઉભા રહી મિત્રની મુશ્કેલીને દૂર કરે એ વાત આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો વણાયેલી જ છે. અને ગુરૂ એટલે ખરાં અર્થમાં પોતાના શિષ્યો આ અકળાઈ અને મુંઝવણ અનુભવે ત્યારે રાહબરી ભૂમિકા ભજવે છે.

એ સંસ્કારનું સિંચન ભાવી પેઢીમાં થાય એ ઉદ્દેશથી પણ આવા સ્નેહમિલનો મિત્ર મિત્ર વચ્ચે તથા ગુરૂ શિષ્ય વચ્ચે એક અનોખી ઉર્જા પ્રદાન કરે છે. આમ પચ્ચીસ વર્ષ એટલે કે જીવનનો એક તૃતિયાંશ ભાગ વિત્યા બાદ મિત્રો અને ગુરૂજનોનું મિલન ખૂબ જ બિરદાવવા લાયક પ્રસંગ ગણી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે આવા મિલન સમારોહ જ નવા રચનાત્મક વિચારોને જન્મ આપતાં હોય છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતાના પરિવારજનોને પણ અમે ભણતાં ત્યારના વાતાવરણનો હૂબહૂ શાબ્દિક ચરિતાર્થ રજૂ કરતાં પણ જોવા મળેલ. અમુક વિદ્યાર્થીઓ આ મિલન સમારોહમાં ઉપસ્થિત ન રહી શક્યા પરંતુ તેની પણ શાબ્દિક નોંધ લેવામાં આવેલ. આમ દરેક મિત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથે હતાં તેવો માહોલ જોવા મળ્યો હતો. આ તકે આ વિદ્યાર્થી વૃંદના ગુરૂજનો ભરતભાઈ જોષી, બિપીનભાઈ પાંધી (પાંધીસર) તથા રેખાબેન મહેતાના આશીર્વાદ લેતાં પણ જોવા મળ્યાં અને સદાય ગુરૂજનોનું માર્ગદર્શન મળતું રહે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવેલ. આ પ્રસંગે તેઓનો ગુરુજન બિપીનભાઈ પાંધી (પાંધીસર) નો જન્મદિવસ પણ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સપરિવાર ઉપસ્થિતિમાં સ્વરસાધના સંગીત પરિવારના સુમધુર સંગીતના સથવારે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઉપસ્થિત ગુરુજનોનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવેલ.. અને વિધાર્થીઓ સહ પરિવાર ખુલ્લા મને સાહજિકતાથી સંગીતના સથવારે રાસ ગરબા પણ રમ્યા 

આમ એકંદરે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ગુરુકુળ ૧૯૯૮ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઋષિત માયાણી આયોજિત કૃષ્ણ સુદામા મિલન કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. ફરી આવા જોમ જુસ્સા સાથે અન્ય કાર્યક્રમો યોજાશે એવી જાહેર મંચ પરથી પુનરોચ્ચાર કરવામાં આવેલ. આ તકે ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષભાઈ પાનસુરીયાએ આવા સુંદર આયોજન અને ભવિષ્યમાં પણ વધુ સહજરીતે બાળગોઠિયાઓ ભેગા મળીને કોઈ રચનાત્મક કાર્યો કરે તે ઉદ્દેશથી રૂપિયા પચ્ચીસ હજાર ભેટ તરીકે અર્પણ  કરેલ. અત્રે આ કૃષ્ણ સુદામા મિલન સમારોહમાં ગુરુકુળ સાવરકુંડલાના ૧૯૯૮ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમા ડોક્ટર્સ , એન્જિનિયર્સ, કેટરિંગ સાથે સંકળાયેલા, પ્રોફેસર્સ, આઈટી સેક્ટરના ટેકનોક્રેટ, મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ પડતાં, રાજકીય સામાજિક ક્ષેત્રે આગળ પડતાં સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા ધરાવતાં, ઉદ્યોગ સાહસિકો તેમજ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ એક જ સમયે એક જ સ્થળે સપરિવાર મળે એ પણ સંસ્મરણો વાગોળવા અને રચનાત્મક વિચારોનું આદાનપ્રદાન તથા ગુરૂજનનું માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા એકઠા થાય એ પણ આજના યુગની વિરલ ઘટના જ ગણાય જેનું શ્રેય ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋષિત માયાણીને ફાળે જાય છે એ વાતની પણ અહીં જાહેરમાં નોંધ લેવાય હતી.

Follow Me:

Related Posts