fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન અદ્ભૂત કલા કૌશલ્યનું નિદર્શન.. ૧૫ ફૂટના મહાકાય શ્રીફળમાંથી માતાજીની હલનચલન વાળી મૂર્તિના દર્શનની કમાલ. 

સાવરકુંડલા શહેરમાં પ્રાચીન અને પરંપરાગત નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અને આ રીતે નવરાત્રિ દરમિયાન માઁ  જગદંબાની આરાધના કરવામાં આવે છે. છેલ્લા ૭૫ વર્ષથી આ રીતે ઉજવાતી નવરાત્રિમાં છેલ્લા ૪૦ વર્ષથી માતાજીની પૂરા કદની હલનચલન વાળી યાંત્રિક મૂર્તિઓ બનાવી નવરાત્રી ઉત્સવ મનાવાય છે ત્યારે આ વિસ્તારના મૂર્તિકાર કનુભાઈ રાઠોડ ઉર્ફે ભાંગલ છેલ્લા ૪૦  વર્ષથી માતાજીની મૂર્તિઓ બનાવવા માટે નવરાત્રી પહેલા જ ચાર મહિના અગાઉ જય ખોડીયાર બાળ મંડળના મિત્રોના સહકારથી આ મૂર્તિની તૈયારી કરતા હોય છે આ વર્ષે ૧૫ ફૂટનું એક મહાકાય શ્રીફળ બનાવવામાં આવ્યું છે જે શ્રીફળ ખુલે અને અંદરથી મહાલક્ષ્મી માતા બહાર નીકળે છે

એ મૂર્તિ બનાવવામાં આવી છે જમીનમાં દસ  ફૂટ ઊંડો ખાડો કરી હાઇડ્રોલિક અને યાંત્રિક ગોઠવણીથી આ પ્લોટ ઉભો કરવામાં આવ્યો છે. દર વર્ષે આવી હલનચલન વાળી  દેવીઓની પ્રતિમાઓ બનાવવામાં આવે છે..સાવરકુંડલાના દેવળા ગેઈટ સર્વોદય નગર ખાતે અદ્ભૂત લાઇટિંગ ગોઠવી શ્રીફળમાંથી મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ પ્રગટ થાય છે એ દ્રશ્ય જોવા માટે સાવરકુંડલા શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો જોવા આવે છે દર્શન કરવા આવે છે અને હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે…છેલ્લા ચાલીશ  વર્ષથી સાવરકુંડલા શહેરીજનો ગૌરવ અનુભવે છે

કે આ શહેરમાં આવા માતાજીના આબેહૂબ અને અદભુત દર્શન કરીને ધન્યતા અનુભવતાં જોવા મળે છે . આમ જ્યારે શ્રીફળ ખુલે અને અંદરથી માતાજી પ્રગટ થાય એવી આ વર્ષે યાંત્રિક હલનચલન વાળી મૂર્તિ જોઈ  ભાવિકો અત્યંત અભિભૂત થઈ જતાં જોવા મળે છે. અને આ સંદર્ભે  દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે અને દર્શનાર્થીઓ પણ દર્શન કરીને ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતાં. સાવરકુંડલા શહેર અનેક બાબતોમાં વિશ્વવિખ્યાત બન્યું છે. ઇંગોરિયાની લડાઈ હોય કે વિશ્વવિખ્યાત વજન કાંટા પણ સાવરકુંડલામાં જ બને છે અને નવરાત્રીમાં શહેરમાં અનેક જગ્યાએ માતાજીની અદભુત મૂર્તિઓ માટે પણ સાવરકુંડલા જાણીતું થયું છે ત્યારે હલનચલન વાળી પૂરા કદની યાંત્રિક મૂર્તિઓ અને માતાજીની આસ્થા અને ધાર્મિક પરંપરા ટકાવી રાખવાના સાવરકુંડલા મંડળીઓએ કરેલાં અથાગ પ્રયાસો ખરેખર સાવરકુંડલાના શહેરીજનોને એક નવી ચેતના અને જીવન ઉર્જા અર્પણ કરતાં  જોવા મળે છે  જે નિર્વિવાદ સત્યને સ્વીકારવું જ રહ્યું.. અન્ય શહેરોએ આ સંદર્ભે પ્રેરણા લેવી ઘટે.

Follow Me:

Related Posts