આજ રોજ કે. કે. હાઈસ્કૂલ આયોજિત મેઘાણી સાહેબની ૧૨૭ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલા કોલેજ, જે. વી. મોદી હાઇસ્કૂલ, એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને કે. કે. હાઈસ્કૂલની સહભાગીદારીથી કાર્યક્રમનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓને તડકામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ કાર્યક્રમ મહિલા કોલેજના પ્રાકૃતિક પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. મહિલા કોલેજના પ્રિન્સિપલ શ્રી ચાવડા સાહેબે ઉદારતા પૂર્વક હકારાત્મક અભિગમ દાખવીને કહ્યું હતું કે કાર્યક્રમ યોજવાની મંજૂરી થોડી લેવાની હોય? તેમના આવા હકારાત્મક અભિગમની કે. કે. હાઈસ્કૂલ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
કે. કે. હાઈસ્કૂલને માન આપીને આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટીના, ગુજરાતી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. ભરતભાઈ મહેતા, અમદાવાદથી મેઘાણી મેમોરિયલ કમિટીના સહ કન્વીનર રીમીબેન વાઘેલા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મહેમાનશ્રી ચેતનભાઇ મહેતા, બટુકભાઈ ભડકોલીયા, હરિભાઈ બોરીસાગર, ભરતભાઈ ભૂતા, પત્રકાર પાંધી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નૂતન કેળવણી મંડળ સંચાલિત ત્રણેય શાળાઓનો સંપૂર્ણ સ્ટાફ તેમજ મહિલા કોલેજના સંપૂર્ણ સ્ટાફે હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીની બહેનો ગોસાઈ દિશા અને સોરઠીયા પૂજા દ્વારા રજુ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી કે. કે. હાઈસ્કૂલના સ્ટાફગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકશ્રી ખડદીયા સાહેબે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરીને, મહેમાનોનો ટૂંકો પરિચય આપ્યો હતો. ત્યારબાદ કે. કે. હાઈસ્કૂલના શિક્ષકશ્રી માંજરીયા સાહેબે દોરેલી મેઘાણીની છબીને મહેમાનોના હસ્તે ફુલહાર અને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ ત્રણે શાળાઓની ગીતકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
તેમજ શાળા કક્ષાએ યોજાયેલ નિબંધ, ચિત્ર અને ગીત સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામોની વ્યવસ્થા કે. કે. હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ મહેમાનશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત મહેમાન શ્રી ભરતભાઈ ભૂતાને કે. કે. હાઇસ્કૂલના વિદ્યાર્થીનીબેન મકવાણા અદિતિએ રજૂ કરેલ શિવાજીનું હાલરડું ગીતથી ખુશ થઈને ₹ ૫૦૦ પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યું હતું.
નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત માંજરીયા સાહેબ, ચેતનભાઇ મહેતા અને બટુકભાઈ ભડકોલીયાએ પણ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. મેઘાણી મેમોરિયલ કમિટીના સહ કન્વીનર શ્રી રીમીબેન વાઘેલાએ પોતાના વિચારોમાં વાસ્તવિક રીતે સમાજ આદર્શ બને એ વિષય પર ભાર મૂક્યો હતો. અને ત્યારે જ આપણે મેઘાણીને સાચી રીતે સમજી શક્ય છીએ એવું સાર્થક થશે. આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીના ડૉ. ભરતભાઈ મહેતાએ દીકરીના મહિમાને મહત્વ આપ્યું હતું. મેઘાણી સાહેબની રચનાઓમાં દીકરીનું મહત્વ અને નીડર દીકરીનો જે મહિમા ગવાયો છે, તે વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ થવો જોઈએ એ બાબત ઉપર અંગુલી નિર્દેશ કર્યો હતો. આ કાર્યક્રમ કે. કે. હાઈસ્કૂલના આચાર્યશ્રી ગુજરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન કે. કે. હાઈસ્કૂલના શિક્ષકશ્રી રફીકભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા કે. કે. હાઈસ્કૂલના શ્રી ખડદીયા સાહેબે નિભાવી હતી. મહેમાનશ્રીઓ અને શાળાઓ સાથે એમનું સંકલન પ્રશંસાને લાયક રહ્યું હતું. વ્યવસ્થામાં પણ એમનો પૂરતો સહયોગ રહ્યો હતો. તેમજ શાળાના સ્ટાફગણના પૂરતા સહયોગથી કાર્યક્રમને સફળરીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


















Recent Comments