સાવરકુંડલા શહેરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્યની સંભાળ સમી સંજીવની.

હજુ એક અઠવાડિયા પહેલાની જ ઘટના છે. સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આ આરોગ્ય મંદિરના બીજા માળે આવેલ વોર્ડમાં સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીને જવાનું થયું ત્યાંનાં વોર્ડમાં એક વીશ વર્ષનો નવયુવાન ડાયાબિટીસ સંદર્ભે સારવાર લેતો જોવા મળેલ. તેમની સાથે આવેલ તેમના માતાપિતાને પૂછતાં જાણવા મળ્યું કે પોતાનો પુત્ર છેલ્લા સત્તર વર્ષથી આ ડાયાબિટીસ નામની બિમારીથી પિડાઈ રહ્યો છે. માતા પિતાની નજર સામે પુત્રની આ વેદના સહન કરવી એનાથી મોટું દુખ શું હોય શકે? માતાપિતા પણ ગરીબ અને સામાન્ય પરિવારના હોય આર્થિક સંકડામણ પણ હોય તે સ્વાભાવિક છે.
પરંતુ દિકરાના હિતાર્થે પોતાનું આ દુખ ભૂલી તનતોડ મહેનત કરી દિકરાની સારવાર કરાવતા હતા અને તેમના જણાવ્યા મુજબ એક મહિનામાં રૂપિયા ચારેક હજાર તબીબી સારવાર અર્થે ખર્ચવા પડતા હતાં. મૂળ આ પરિવાર ઉનાનો પણ છલ્લા દોઢેક વર્ષથી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું નામ સાંભળી અહીંની હોસ્પિટલમાં સારવાર કરાવે છે.
જો કે આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે તો તમામ તબીબી સારવાર, દવા લેબોરેટરી ટેસ્ટ ભોજન વગેરે નિશુલ્ક પ્રદાન કરવામાં આવે છે. એટલે છેલ્લા દોઢ વર્ષથી આ પરિવારને પોતાના પુત્રની સારવાર અર્થે અહીં આવતાં હોય આર્થિક રીતે બોજ નથી પડતો કારણકે અહીં તમામ વ્યવસ્થા નિશુલ્ક છે. એમના જ મુખમાંથી જે શબ્દો સરી પડ્યા હતા તે એ હતાં.. હે, ભગવાન!! આ આરોગ્ય મંદિરના તબીબ, પેરામેડિકલ સ્ટાફ ટ્રસ્ટી મંડળ. અને આ હોસ્પિટલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પણ મદદરૂપ થતાં તમામનું ઈશ્ર્વર સદાય ભલું કરે. વાત વિગતે કરીએ તો દર્દીનું નામ સાગરગીરી રમેશગીરી, ગામ ઉના, ઉંમર વર્ષ ૨૦, છેલ્લા સત્તર વર્ષથી ડાયાબિટીસ નામની બિમારીથી પીડાય છે. તેમના પિતાજી રમેશગીરી કડિયા કામ કરે છે.
ઘણી વખત કામ મળે અને ન પણ મળે. રમેશગીરી ખુદ પણ હ્રદયને લગતી સમસ્યાઓથી પીડાતા હોવાથી હ્રદયના વાલ્વનું ઓપરેશન કોઈ ખાનગી હોસ્પિટલમાં કરાવેવ હતું જેમાં પણ ઘણો ખર્ચ થયો હતો તેમ તેમણે જણાવ્યું હતું. તો વળી પરિવારમાં બે દિકરા પોતે પત્ની તથા તેમના માતુશ્રી સાથે ઘરનું ગુજરાન ચલાવવું આ કપરા સમયમાં ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમનો ફોન નંબર ૭૦૬૦૬૧૦૩૧૦ છે. સાગરગીરી જેવાં અનેક દર્દીઓ માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સંજીવની સમાન છે.
આ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતાં ડો. વાણીયા સાહેબ તેમજ અન્ય તબીબી ટીમ દર્દીઓની સંભાળ ખૂબ જ કાળજીપૂર્વક લેતાં જોવા મળે છે. આ હોસ્પિટલમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હસ્તે મુખે પોતાના ઘરે વિદાય થતાં જોવા મળ્યાં છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયા, સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા મંત્રી શ્રી દિવ્યકાંતભાઇ સૂચક સમેત તમામ ટ્રસ્ટીગણ પૂ. મોરારી બાપુની નિશ્રામાં હોસ્પિટલની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે.પ્રસ્તુત તસવીરમાં ડો. વાણીયા સાહેબ, દર્દી સાગરભાઇ એમના માતાપિતા, અને આ સંસ્થાના રાજુભાઈ બોરીસાગર વગેરે જોવા મળે છે.
Recent Comments