સાવરકુંડલા શહેરમાં સવારે ૮.૦૦ થી રાત્રે ૯.૦૦ કલાક સુધી છ કે તેથી વધુ વ્હીલ વાળા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સાવરકુંડલા શહેરમાં ટ્રાફિક સંચાલન માટે છ કે તેથી વધુ વ્હીલ વાળા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં સવારે ૮.૦૦થી રાત્રે ૯.૦૦ કલાક સુધી પ્રતિબંધ રહેશે. જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી વાહનો માટે સાવરકુંડલા શહેરમાંથી પસાર થવાને બદલે આપવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવા આદેશ કર્યો છે.
આ વૈકલ્પિક રુટમાં અમરેલી તરફથી આવતા અને મહુવા, વંડા, જેસર, પાલીતાણા, રાજુલા, પીપાવાવ, જાફરબાદ, નાગેશ્રી, ઉના તરફ જતા ભારેથી અતિ ભારે વાહનોએ કાયમી ધોરણે અમરેલી તરફથી આવતા શરુ થતા બાયપાસ પરથી પસાર થવું. મહુવા તરફથી આવતા અને જેસર, પાલીતાણા, લીલીયા, અમરેલી, રાજકોટ તરફ જતા ભારેથી અતિભારે વાહનોએ મહુવા રોડ પરથી શરુ થતા બાયપાસ પરથી કાયમી ધોરણે પસાર થવું.
મહુવા તરફથી આવતા અને ચલાલા-ધારી,વિસાવદર, બગસરા, જૂનાગઢ તરફ જતા ભારેથી અતિ ભારે વાહનોએ મહુવા તરફથી આવતા બાયપાસ પરથી પ્રવેશ લઈ, હોમગાર્ડ કચેરી પાસેથી ડાબી તરફ ટર્ન લઈને નેસડી રોડથી કાયમી ધોરણે જવાનું રહેશે. જ્યારે ચલાલા તરફથી આવતા અને મહુવા, રાજુલા, પીપાવાવ, જાફરાબાદ જતા ભારેથી અતિભારે વાહનોએ નેસડી રોડથી સાવરકુંડલા શહેરમાં પ્રવેશ લઈ, હોમગાર્ડ કચેરી પાસેથી જમણી તરફ ટર્ન લઈ મહુવા તરફ કાયમી ધોરણે પસાર થવાનું રહેશે.
આ હુકમમાંથી સરકારી ફરજ પરના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, સ્કૂલ બસ, એસ.ટી. વિભાગના વાહનો, પેટ્રોલ-ડીઝલના ટેન્કોરને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમ અંગે કોઈને વાંધો કે સૂચનો હોય તો તેમણે આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૩૦માં તેમના વાંધા કે સૂચનો જિલ્લા કલેક્ટરશ્રી અને મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી, પીન નં-૩૬૫૬૦૧ને મળી જાય તે રીતે મોકલાવવાના રહેશે. ત્યારબાદ મળેલા સૂચનો કે વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તા. ૩૦ જુન,૨૦૨૩ છે.
Recent Comments