અમરેલી

સાવરકુંડલા શહેરમા પ. પૂ. મોરારીબાપુનનાં સાંનિધ્યમાં રૂડું  એકાદશી પર્વ યોજાશે

સાવરકુંડલા ખાતે શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ગરિમામય એક દાયકો પૂર્ણ કરતાં તારીખ ૧૧ મી મે બુધવારનાં રોજ મંગલ પ્રારંભ પર્વ, સાહિત્ય શિક્ષણ સંન્માન પર્વ અને સ્વર પર્વ રૂપે પર્વ એકાદશીનું આયોજન શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં પ્રાંગણમાં સાંજે ૪-૩૦ થી કરવામાં આવેલ છે. આ પાવન પર્વ નિમિત્તે ૩૩૦૦૦ સ્ક્વેર ફૂટના નવનિર્મિત બિલ્ડીંગ ભરોસો તથા કેન્સર કેર સેન્ટર, હાડકાંનો વિભાગ અને આંખના વિભાગનું  લોકાર્પણ થશે. આ શુભ પ્રસંગે જ શિક્ષણ, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિત્વોનું ભાવભર્યું સંન્માન પણ કરવામાં આવશે. ટૂંકમાં પરિચય આપીએ તો ૭ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ લોકાર્પિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યના સાત વર્ષ સફળ અને સંતોષદાયી રીતે પૂર્ણ થયા છે. કેવળ સેવાર્થે નિર્મિત આ નિશુલ્ક હોસ્પિટલને આ સાત વર્ષ દરમિયાન જનસમુદાયનો કલ્પનાતીત સહયોગ સાંપડ્યો છે. અને દસ લાખથી વધુ દર્દીઓએ આ આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે. જે ખુદ સેવાનું અનોખું પ્રમાણ દર્શાવે છે.. જે કાર્ય સાવરકુંડલા શહેર માટે પણ સીમાચિહ્ન રૂપ ગૌરવગાથા સમાન ગણાય. પ. પૂ. પ્રાતઃ સ્મરણીય મોરારીબાપુનાં આશિર્વાદ સાથે શરૂ થયેલું આ આરોગ્ય અભિયાન હજુ ભવિષ્યમાં અનેક કિર્તીમાન સ્થાપિત કરશે એ પણ દિવા જેવું જ સત્ય છે.
સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ દેશની પ્રતિષ્ઠિત ચેનલ આસ્થા ચેનલ પર પ્રસારિત થશે. હાલની સાંપ્રત પરિસ્થિતિને લક્ષમાં રાખીને ખૂબ જ મર્યાદિત માત્રામાં કાર્યક્રમ સંપન્ન કરવાનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ નંદલાલભાઈ માનસેતા અને સ્થાનીક ટ્રસ્ટી ભરતભાઈ જોષી, હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ મગનભાઈ પાંડવ સમેત તમામ કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે

Related Posts