fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર ખાણીપીણીનાં શોખીનોનું શહેર.. એમાં પણ કાજુ ગાંઠીયાનું શાક એટલે સાવરકુંડલા શહેરની રસોઈ જગતને આપેલો એક સ્વાદિષ્ટ ઉપહાર. આજે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતી રસોઈની પણ વાત કરવા જેવી તો ખરી. 

આમ તો સાવરકુંડલા શહેરના લોકો પણ ખાણીપીણીનાં ખૂબ શોખીન  છે. અને હા જ્યારે કાજુ ગાંઠીયાના સ્વાદિષ્ટ શાકની વાત કરવામાં આવે તો કાજુ ગાંઠીયાના શાકની રેસીપી સાવરકુંડલા શહેરની જ દેન છે. હવે જ્યારે રસોઈના જુદા જુદા ટેસ્ટ અને રેસીપીની વાત નિકળી છે ત્યારે વિવિધ સમાજની વિવિધ રસોઈ બનાવવાના કૌશલ્યની વાત પણ થઈ શકે જેમ કે

ગુજરાતી ભોજનની ડીશની જ વાત કરીએ તો ગુજરાતી ફૂડ ખરેખર પરિપૂર્ણ થાળી જ ગણાય . લસણ, ડુંગળીના અતિરેક વગર  દાળ શાક, વધુ પડતી ઘટ્ટ નહીં અને અત્યંત મરી મસાલા વીનાના દાળ શાક, તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ! ગુજરાતી દાળમાં અગાઉ ગળપણ નો અતિરેક રહેતો પણ અનેક ગુજરાતી લોકોએ હવે દાળ શાકમાં ગળપણ  બંધ કરી દીધું છે. શાકમાં પણ ઘણું વૈવિધ્ય છે. સિંધીઓના દાલ પકવાન એકદમ મજેદાર હોય છે. જૈનોની લસણ ડુંગળી બટેટા વગરની  રસોઈ પણ બિલકુલ અલગ જ ટેસ્ટ. તેમના પાપડ વિગેરેના શાક, કઠોળનો બહોળો ઉપયોગ સ્વાદ અને પૌષ્ટિકતાનું આખું એક અલગ જ કલ્ચર. જૈન રસોઈ સહુથી વધુ સ્વાસ્થ્યપૂર્ણ હોય શકે અને તે અત્યંત વૈજ્ઞાનિક પણ ખરી જ. બ્રાહ્મણોના દાળ ભાત શાકનો વળી અલગ જ વૈભવ! પટેલોની રસોઈ શૈલી ઘણી જુદી પણ સ્વાદ પેદા  કરવામાં તેઓ માસ્ટર. લોહાણાની રસોઇ પણ એટલી જ સમૃદ્ધ! ગુજરાતના રાજપૂતો દરબારોની રસોઈ અને ભોજનની મેનર્સ અતિ વિશેષ, ગુજરાતી મુસ્લિમોની શાકાહારી રસોઈ ખરેખર વખાણવા લાયક. ડુંગળી લસણનો તેમના જેવો સુંદર ઉપયોગ બીજું કોઈ ન કરી શકે. ગુજરાતી સમાજમાં ઘરે બનતા તાજા ફરસાણ, મીઠાઈ અનન્ય! વળી ગામેગામની રસોઈ ઘણી જુદી પણ એટલી જ મજાની! આપણાં મુઠીયા, આપણું રાઇતું, આપણાં ઢોકળા, આપણાં પાત્રા, આપણાં થેપલાં,

આપણાં રોટલા, પરોઠા, પુડલા અને આપણાં ખાખરા તેમજ વિવિધ પાપડ, આપણી કઢી, આપણું ઓસામણ, આપણો ફજેતો, આપણું ઉંધીયું,  આપણું સેવ ટામેટાનું શાક, આપણાં મિક્ષ શાક, અને કાજુ ગાંઠીયાનું શાક તો આંગણા ચાટતાં રહીએ તેવા. વળી ભરેલ ડુંગળી ભરેલ રીંગણાં અને રીંગણાનો ઓળો, સંભારા, ચટણી, સલાડ… ગુજરાતી રસોઈની સહુથી મોટી વિશેષતા એ છે કે તે અન્ય રસોઈ જેટલી કડાકૂટ વાળી ન હોવા છતાં તે સ્વાદિષ્ટ હોય છે. તેમાં ઘી માખણનો અતિરેક ન હોવા છતાં તે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે અને એમાં પણ કાઠિયાવાડી ટેસ્ટ તો ભાઈ.. ભાઈ..અને છેલ્લે ગીર વિસ્તારના નેહડામાં દેશી ચૂલા પર લાકડાના આગથી પેટાવેલ ચુલા પર મૂકેલી માટીની તાવડી પર માટીની કાથરોટમાં બાજરાના લોટને સમળી મસળીને હાથેથી ટીપેલો રોટલો અને એ જ ચુલા પર શેકેલ દેશી મીઠું ભરેલ દેશી મરચું એટલે ભાઈ ભાઈ.. સાથે મોટી જબર તાંસળીમાં ગાય ભેંસના કઢિયેલ દૂધ એટલે ખલાસ.. સિસકારા બોલાવતાં બોલાવતાં એ માખણથી લથપથ રોટલાને એ સેકેલ દેશી મરચાં અને કઢિયેલ દૂધ સાથે આરોગવાની મજા જ કંઈક ઔર હોય છે. અને સવારે ઉઠીને શિરામણમાં રોટલો માખણ હોતો દહીં અને હાથે ધુંબો મારીને ફોલેલી ડુંગળી સાથે હાથની આંગણીઓથી ચોળીને ખાવાની મજા પણ એક અનોખો ટેસ્ટ સર્જે છે. એની આગળ સેવન સ્ટાર હોટેલના તમામ મેનું ફિક્કા લાગે. એનો ટેસ્ટ પણ ખાતાં પેટ ન ભરાય એવો..જો જો હોં, આ રસોઈનો આર્ટિકલ વાંચતાં વાંચતાં મોં માં પાણી ન આવી જાય ભાઈ..

Follow Me:

Related Posts