સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી.
અયોધ્યા ખાતે યોજાઇ રહેલા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં આગામી તારીખ ૨૦/ ૨૧/ અને ૨૨ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના હોય તેને અનુસંધાને સાવરકુંડલા ટાઉન પી.આઈ. એસ.એમ સોનીએ શહેરના હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો -વેપારી મિત્રો કાર્યકર્તાઓની એક બેઠક શહેર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી અને આગામી ત્રણ દિવસના કાર્યક્રમો ભાઈચારાથી જોવા અપીલ કરી હતી જેને મુસ્લિમ સમાજ વતી પૂર્વ પ્રમુખ ઈરફાનભાઇ કુરેશીએ ટેકો જાહેર કરી મુસ્લિમ સમાજ વતી તમામ પ્રકારના સહકાર આપવા માટે ખાત્રી આપી હતી જેને ઉપસ્થિત હિંદુ મુસ્લિમ આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી અને કોમી એખલાસ અને ભાઈચારાથી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તહેવાર ઉજવાશે તેવી પોલીસને શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
આ તકે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા શહેરમાં સામાજિક સૌહાર્દ અને સંવાદિતતા જળવાઈ એ માટે ઉપસ્થિત તમામ દ્વારા સહિયારા પ્રયાસો અંગેના સહયોગ અંગે વાત કરી હતી.. આમ સાવરકુંડલા પોલીસ વિભાગ દ્વારા પણ ખૂબજ સૂલેહપૂર્ણ વાતાવરણમાં આ પર્વ સાવરકુંડલા શહેરને દીપાવી ઉઠે એવી અપેક્ષા પણ રાખવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગને આવકારવા સમગ્ર શહેર જ્યારે થનગની રહ્યું હોય ત્યારે ચાલો સૌ સાથે મળીને સમ્યક ભાવથી પૂર્ણ સંવાદિતતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે આવનાર મંગલ પ્રસંગ સાવરકુંડલા શહેર માટે એક ચિરંજીવી સુખદ સંભારણું બની રહે તેવા પ્રયાસો સાથે પર્વની ઉજવણી કરવા માટે તૈયાર રહીએ..
ખરા અર્થમાં રામરાજ્યની ભાવના કેળવી સાવરકુંડલા શહેરને સમગ્ર ગુજરાતમાં એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરવાના તમામ સંનિષ્ઠ સહિયારા પ્રયાસો કરીને સાવરકુંડલાના નાવલીના ખમીરને ગુંજતું કરીએ એજ આ બેઠકની ફળશ્રુતિ ગણાશે સાવરકુંડલા શહેરના સમાચારોને એક સ્વચ્છ આરસી તરીકે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા દ્વારા પ્રસિધ્ધ કરતાં લોકશાહીના આધાર સ્તંભ સમાન અખબારી જગતના પત્રકારો ઈકબાલ ગોરી, બિપીનભાઈ પાંધી, દીપક પાંધી, નાસીરભાઈ ચૌહાણ સમેત પત્રકારોએ પણ આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળા, શહેરના શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહૂલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, ભાજપ અગ્રણીઓ વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, પ્રણવ વસાણી, તેજસ નિમાવત સમેત શહેરના ગણમાન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આગામી મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં આ પ્રસંગ ધામધૂમથી ખૂબ જ શાંતિ, પ્રેમ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેવાં સંનિષ્ઠ પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે
જાણવા મળતી વિગત મુજબ શહેરની ઘણી સામાજિક સંસ્થાઓ પણ આ મહોત્સવનું કાર્ય કેમ દીપી ઊઠે તે માટે સતત પ્રયત્નશીલ છે.. તો સાવરકુંડલા શહેરમાં લાઈવ ઢોકળાંનો વ્યવસાય કરતાં વિષણુભાઈ ભરાડ જેવા ધર્મપ્રેમી વ્યક્તિઓ પણ આ પ્રસંગને દીપાવવા પોતાની શક્તિ અને સમજ મુજબ પ્રયાસ કરશે એ વાતની પણ નોંધ લેવા જેવી ખરી.. સંપૂર્ણ વાતાવરણ જોતાં સાવરકુંડલા શહેર આ દિવસો દરમિયાન સંપૂર્ણ ઝળહળી ઉઠશે એ ઘટના પણ એક ઈતિહાસ બને તો નવાઈ નહી.
Recent Comments