સિગ્નલમાં ખામીને કારણે અકસ્માત થયો ઃ ટ્રેન ડ્રાઇવર
ઓડિશામાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધા છે. આ ભયાનક અકસ્માતમાં ૨૭૫થી વધુ લોકોના મોત થયા છે. લગભગ ૧૧૦૦ ઘાયલ થયા છે. અકસ્માતનું કારણ સિગ્નલની ખામી હોવાનું માનવામાં આવે છે. જાેકે રેલવેની તપાસ ચાલુ છે. હવે ઘટનાના ૬૨ કલાક બાદ લોકો વાહનોના ડ્રાઈવર અને ગાર્ડ વિશે જાણવા ઉત્સુક છે. આપને જણાવી દઈએ કે બે ટ્રેનના લોકો પાયલોટ (ડ્રાઈવર) અને ગાર્ડ ઘાયલ થયા છે. તેને સારવાર માટે ઓડિશાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં એન્જિન ડ્રાઈવર અને માલગાડીના ગાર્ડ આબાદ બચી ગયા હતા. સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડગપુર ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કમર્શિયલ મેનેજર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના ડ્રાઈવર અને ગાર્ડની સાથે કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાઈલટ, આસિસ્ટન્ટ લોકો પાઈલટ અને ગાર્ડ ઘાયલોની યાદીમાં હતા. તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હોવા અંગે રેલવે બોર્ડે વધુ એક મોટી માહિતી આપી છે.
બોર્ડે ડ્રાઇવરોને ટાંકીને જણાવ્યું હતું કે સિગ્નલમાં ખામીને કારણે અકસ્માત થયો હતો.કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરે જણાવ્યું કે તેણે ગ્રીન સિગ્નલ જાેઈને જ આગળનો રસ્તો નક્કી કર્યો હતો. ત્યારે યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરે દાવો કર્યો હતો કે અકસ્માત પહેલા એક વિચિત્ર અવાજ સંભળાયો હતો. આપને જણાવી દઈએ કે આ ભયાનક અકસ્માતમાં કોરોમંડલ ટ્રેનને સૌથી વધુ નુકસાન થયું છે.રેલવે તરફથી કહેવામાં આવ્યું કે ટ્રેન નંબર ૧૨૪૮૧ કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન (શાલીમાર-મદ્રાસ)ની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તે પાટા પરથી ઉતરી ગઈ અને અપ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. ટ્રેન પૂરપાટ ઝડપે ચાલી રહી હતી, જેના કારણે ૨૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ૩ ડબ્બા લાઇનની નીચે ઉતરી ગયા હતા. જણાવી દઈએ કે દરેક રેલવે સ્ટેશન પાસે બીજી ટ્રેન પસાર કરવા માટે લૂપ લાઇન હોય છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે, ઉપર અને નીચે. કોઈપણ ટ્રેનને જ્યારે સ્ટેશન પરથી બીજી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે તેને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.
બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. જ્યારે બહાનાગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ટ્રેનના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાઈ ગયા. દરમિયાન, અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માત ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લગભગ ૧૭૧ કિલોમીટર અને ખડગપુર રેલ્વે સ્ટેશનથી લગભગ ૧૬૬ કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.રેલવે મંત્રીએ જણાવ્યું કે આ ટ્રેક બુધવાર સવાર સુધીમાં કાર્યરત થઈ જશે. તેમણે કહ્યું કે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને અમારો ટાર્ગેટ છે કે બુધવારની સવાર સુધીમાં રિપેરિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવે જેથી કરીને આ ટ્રેક પર ટ્રેનો દોડવા લાગે.
Recent Comments