સિદસર રોડપર જૂની અદાવતે ખેડૂત યુવાન પર ચાર શખ્સો માર માર્યો, ધમકી આપી નાસી છૂટ્યાં
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાંત્રડ ગામના વતની અને ગામમાં ખેતી કરતાં તેમજ ભાવનગરમાં રહેતા ખેડૂત યુવાન પર સગા મામાના દિકરા સહિત ચાર શખ્સોએ રોડ વચ્ચે આંતરી લાકડી વડે માર માર્યો હતો. જુની અદાવતે ઝઘડો કરી યુવાન પર હુમલો કર્યો હતો. તેમજ તેની ગાડીનો કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. જેમાં ઈજાગ્રસ્ત યુવાને ચાર શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજાના દાંત્રડ ગામે ખેતી કરતાં તથા ભાવનગર શહેરના સિદસર રોડપર આવેલી રેખા સોસાયટીમાં રહેતા મુકેશ ગૌરીશંકર પંડ્યાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં તેના મામાના દિકરા સહિત ચાર શખ્સો વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આજથી એકાદ વર્ષ પહેલાં મુકેશને ઈશ્વર જાની નામના શખ્સ સાથે ઝઘડો થયો હોય જેની દાઝ રાખી ઈશ્વર જાનીના મામાના દિકરા કલ્પેશ મનુ બારૈયા, ભૂપત જાની તથા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી પોતાના ઘર પાસે કાર પાર્ક કરીને ઉભો હતો.
આ દરમિયાન ત્યાં આવી બિભત્સ ગાળો આપી જૂની અદાવતે ઝઘડો કરી લોખંડના પાઈપ તથા લાકડી વડે હુમલો કરી માર મારી તને જાનથી મારી જ નાંખવાનો છે તેવી ધમકી આપી હતી. જે બાદ ફરીયાદીની કારનો કાચ તોડી નાંખ્યો હતો, એ દરમ્યાન લોકો એકઠાં થતાં અને અન્ય યુવાનો વચ્ચે પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર બાદ મુકેશે કલ્પેશ મનુ બારૈયા, ભૂપત જાની તથા બે અજાણ્યા શખ્સો મળી કુલ ચાર શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments