સિવિલમાં સુપરિન્ટેન્ડન્ટને ફોન કરો તો માહિતી ખાતાનો કર્મચારી જવાબ આપે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ અનેક લોકો સારવાર માટે તડફડિયાં મારે છે. માસૂમ દર્દીઓ સારવાર મળશે એવી આશા સાથે કલાકો સુધી એમ્બ્યુલન્સમાં રાહ જાેઇને સિવિલ હોસ્પિટલ પહોંચે છે. એક તરફ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવેલા દર્દીઓ ૪૦ ડીગ્રી ગરમીમાં પોતાને બેડ મળશે એ માટે ૪ કલાક રાહ જુએ છે, પરંતુ બધું ભગવાન ભરોસે જ ચાલે છે. આવા સમયે કોઈ મદદ માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને ફોન કરે તો જાણે તેમણે હોસ્પિટલમાં વ્યવસ્થા અંગેનો જવાબદાર કોઈ માણસ રાખ્યો હોય એ તેમનો ફોન ઉપાડીને જવાબ આપે છે. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ નથી એ વાસ્તવિકતા છે.
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાના નામે અવારનવાર અનેક પ્રશ્નો ઊભા થતા આવ્યા છે, પરંતુ ક્યાંક લોકોને મદદ મળતાં કે સારો જવાબ મળતાં દર્દી અને તેમનાં સ્વજનો બધું નજરઅંદાજ કરતાં આવ્યાં હતાં, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે આ સ્થિતિ રહી નથી. અહીં લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. કેટલાકને અગ્રીમતા અને કેટલાકને છટણી કરવા જેવી ફરિયાદ પણ ઊભી થઇ રહી છે.
અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટને દર્દીની મદદ માટે હવે કોઈ ફોન કરે તો તેમનો ફોન સુપરિન્ટેન્ડન્ટ પોતે ઉપાડતા નથી. તેમનો ફોન માહિતી ખાતાએ હંગામી રીતે નિમણૂક કરેલો સામાન્ય કર્મચારી ઉપાડે છે અને તે જ જાણે સુપરિન્ટેન્ડન્ટ હોય એ પ્રમાણે જવાબ આપી દે છે. એટલું નહીં, હોસ્પિટલમાં શું વ્યવસ્થા છે અને શું કરવું એની સલાહ આપતાં પણ આ કર્મચારી અચકાતો નથી.
સિવિલ સુપરિન્ટેન્ડન્ટનો ફોન આ રીતે કોઈ અન્ય કર્મચારી ઉપાડશે તો ક્યારેક કોઈ અત્યંત ગંભીર સ્થિતિ થઈ શકે છે. તો સિવિલ હોસ્પિટલને નામોશીનો વારો આવશે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના નિકાલ કરવામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જ્યાં લાંબું વેઈટિંગ છે અને હવે સ્વજનો પણ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છે, જેથી વ્યવસ્થા સદૃઢ કરવાને બદલે હવે પોલીસ મૂકવામાં આવી છે.
Recent Comments