સીડીએસ બિપીન રાવત સહિત તમામ મૃતકોને લોકસભામાં રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ પાઠવી
ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત અન્ય ૧૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતીય વાયુ સેનાના પ્રમુખ વી આર ચૌધરી ગુરૂવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે દુર્ઘટના અંગેની જાણકારી મેળવી હતી. વાયુ સેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે રવાના થઈ ગયા હતા. સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની અને હેલિકોપ્ટર ક્રેશમાં માર્યા ગયેલા તમામ લોકોના પાર્થિવ શરીરને વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલથી મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર લઈ જવામાં આવ્યા. તે પહેલા વેલિંગ્ટન એરબેઝ ખાતે અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે લોકસભામાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના અંગેની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે સીડીએસ બિપિન રાવત અને દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ત્યાર બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સૌ કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લોકસભામાં ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને રાજનાથ સિંહે જણાવ્યું કે, આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને અન્ય તમામ લોકોને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. તેમણે સદન તરફથી સીડીએસ બિપિન રાવત અને અન્ય તમામને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું કે, સીડીએસ વેલિંગ્ટન ખાતે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. તેમણે ૧૧ઃ૦૦ વાગ્યે સુલૂર એરબેઝ ખાતેથી ઉડાન ભરી હતી. તેમને ૧૨ઃ૧૫ વાગ્યે વેલિંગ્ટન ખાતે લેન્ડ કરવાનું હતું પરંતુ ૧૨ઃ૦૮ વાગ્યે એટીસી સાથેનો કોન્ટેક્ટ તૂટી ગયો. કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જાેયું અને સ્થાનિક પોલીસને જાણ કરી. ત્યાર બાદ સ્થાનિક પ્રશાસનનું એક બચાવ દળ ત્યાં પહોંચી ગયું હતું. તે અવશેષોમાંથી જેટલા લોકોને કાઢી શકાયા તેમને વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. દુર્ઘટનામાં ૧૪ પૈકીના ૧૩ લોકોના મોત થયા. રાજનાથ સિંહના નિવેદન પહેલા સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીએ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી ર્નિમલા સીતારામણ, અનુરાગ ઠાકુર સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત હતા.
Recent Comments