સુરેન્દ્રનગરની સૌથી જુની તથા ગરીબ તેમજ મધ્યમવર્ગ માટે છેલ્લા ૯૦ વરસથી સેવારત સી.જે.હોસ્પિટલ દ્રારા સંસ્થાના સભ્ય અને દાતા ડો. જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો એના માનમાં એક અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જગદીશ ત્રિવેદીએ પદ્મ પુરસ્કાર જાહેર થયાં બાદ એક વિડિયો દ્રારા અપીલ કરી હતી કે હવેથી હું આજીવન ફૂલહાર, શાલ, મોમેન્ટો કે સ્થુળ સન્માન સ્વીકારીશ નહી. કોઈએ મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરો.
આ વિચારને વધાવી સી.જે.હોસ્પિટલ દ્રારા તા.૧૨/૪/૨૪ ની રાત્રે એક સ્નેહમિલન યોજી તેમાં ૧૯૩૪ થી ૧૯૨૪ સુધી આ હોસ્પિટલમાં સેવા કરી ગયેલા તમામ ડોક્ટર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખશ્રી ધનરાજભાઈ કૈલાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી શૈલેષભાઈ શાહ દ્વારા સંસ્થાનો વિગતવાર પરીચય રજું થયો હતો.ત્યારબાદ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં હોસ્પિટલની કાયમી સુવિધા માટે સોલાર પેનલ વસાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોલાર પેનલનો કુલ ખર્ચ આશરે ત્રીસ લાખ રુપિયા થાય છે. તમે યથાશકિત ફાળો આપો અને જે ખૂટશે તે હું પુરા કરી દઈશ.
એમની વિનંતીની એવી જાદુઈ અસર થઈ કે ભૂતપૂર્વ ડોક્ટર્સ, કારોબારી સભ્યો અને શહેરના શ્રેષ્ઠીઓ તરફથી વીસ લાખ રુપિયાનું દાન એકત્ર થયું અને બાકી રહેતા દસ લાખ રુપિયા જગદીશ ત્રિવેદીએ આપી આ સેવાયજ્ઞને પૂર્ણાહૂતિ સુધી પહોંચાડ્યો હતો. હોસ્પિટલના પ્રમુખ ડો. રુદ્રદતસિંહ ઝાલાએ સૌનો આભાર માન્યો હતો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્યો અને કર્મચારીગણે ખૂબ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.


















Recent Comments