રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,”મફતખોરી દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો છે”

ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મફતખોરી દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો છે. આ એક ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ તેના પર ધ્યાન આપે. કેન્દ્ર સરકારે પણ ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારા રાજકીય પક્ષો પર લગામ કસવાની માંગણીનું સમર્થન કર્યું છે. ચૂંટણીમાં મફત સુવિધાઓના વાયદા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગણી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. કોર્ટે ચૂંટણી પંચને આ મામલે ધ્યાન આપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. સમસ્યા એ છે કે દરેક રાજકીય પક્ષ આવી જાહેરાતોનો ફાયદો ઉઠાવે છે. કોઈ એક રાજકીય પક્ષની વાત નથી. શું સંસદમાં આ મુદ્દે ચર્ચા થશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે મામલા સંલગ્ન તમામ પક્ષ, લો કમીશન, નીતિ આયોગ પોતાના સૂચનો આપે. તમામ પક્ષ ઉકેલ લાવી શકે તેવી સંસ્થાના ગઠન પર વિચાર આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ચૂંટણી પંચ, વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ તથા અરજીકર્તાઓને એક એક્સપર્ટ કમિટીની રચના પર પોતાના સૂચનો ૭ દિવસની અંદર રજૂ કરવાનું જણાવ્યું. આ મામલે વધુ સુનાવણી ૧૧ ઓગસ્ટે હાથ ધરાશે.

Related Posts