ગુજરાત

સુરતના અમરોલીમાં જાહેરમાં યુવક પર દંડાવાળી કરનાર માથાભારે શખ્સ વીડિયો વાઈરલ થયા બાદ પકડાયો

સુરતના કોસાડ આવાસમાં રહેતાં મથાભારે હાસિમ ભૈયાએ પિતરાઇને જ ડંડા અને તમાચા મારી સાગરીતો પાસે વીડિયો બનાવી તેને વાઈરલ કર્યો હતો. ચાર મહિના પહેલાં આ યુવાને પારિવારીક સભ્યને ચપ્પુ મારતાં બદનામી થતાં પિતરાઇને માર મારી તેને બદનામ કરવા વીડિયો વાઈરલ કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં જ અમરોલી પોલીસ આ માથાભારે શખ્સ અને વીડિયોમાં મારનો ભોગ બનેલા યુવાનને લઇ આવી હતી.

આ યુવાને ફરિયાદ આપવાનો ઇન્કાર કરતાં પોલીસે હાસિમ વિરૂદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા. ગત રાત્રે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. કોસાડ આવાસમાં રહેતો અને ટપોરીગીર કરતો હાસિમ ઉર્ફે ભૈયો એહરાર શેખ એક યુવાનને પોલીસની સ્ટાઇલમાં ઉભો રહી એક યુવાનને દંડા અને તમાચા મારી રહ્યો હતો. જાણે કોઇ બહાદુરીનું કામ હોય તેમ હાસિમ તેનો માર મારતો વીડિયો પણ સાગરિતો પાસે ઉતરાવી રહ્યો હતો. થોડાંક સમય પહેલાં પોતાને માર્યો હોવાને કારણે પોતાની ભારે બદનામી થઇ હોવાનું અને સબક શીખવવા માર મારી તેની બદનામી કરવા આ વીડિયો ઉતારી હોવાની શેખી વચ્ચે પોલીસ હાસિમ ઉર્ફે ભૈયાને ઉંચકી લાવી હતી.

વીડિયોમાં મારનો ભોગ બનેલા સમદ શેખનેપણ પોલીસ લઈ આવી હતી અને ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પરંતુ ભોગ બનનાર યુવાન તેનો પિતરાઇ હોવાનું અને ઘરે માતા-પિતા સાથે પોતે ઝઘડો કર્યો હોય માર મારવામાં આવ્યો હોવાનું જણાવી ફરિયાદ નોંધાવવાથી ઇન્કાર કરી દીધો હતો. જાેકે પોલીસે વાઈરલ વીડિયોને પગલે ગેરકાયદે દંડો રાખવા બદલ જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી સબ ઇન્સપેક્ટર એમ.જી. રાઠોડે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts