સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીને આરોપીએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આરોપીએ ધમકી આપી બે વખત દોઢ-દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે દેવ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. સુરતનો એક વ્યક્તિ સોશિયલ મીડિયા મારફતે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
જે બાદ આ યુવતીએ ફરિયાદીને વેસુ વીઆઈપી રોડ પર આવેલી એટલાન્ટિસ હોટલમાં મળવા બોલાવ્યો હતો. જેથી ફરિયાદી હોટલમાં યુવતીને મળવા ગયો હતો. તે સમયે દેવ પટેલ નામનો એક વ્યક્તિ હોટલના રૂમમાં આવી ગયો હતો અને પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી તરીકે આપી હતી. દેવ પટેલે ફરિયાદીને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપ્યા બાદ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાંથી છૂટકારો મેળવવા માટે અને કેસ સગેવગે કરવા માટે ૨૫ માર્ચના રોજ દેવ પટેલે ફરિયાદીને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી એસએમસીના પાર્ટી પ્લોટની જગ્યાએ બોલાવ્યો હતો અને ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી.
ત્યાર બાદ ફરિયાદીએ ૨૫ માર્ચ અને ૨૭ માર્ચે દેવ પટેલને દોઢ-દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. આમ, દેવ પટેલે ત્રણ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. છતાં પણ તે ફરિયાદીને ધમકાવતો હતો. તેથી આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉમરા પોલીસે દેવ પટેલ સામે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, દેવ પટેલ ફરિયાદી પાસેથી સાત લાખ રૂપિયાની રકમની માગણી કરતો હતો. જેની સામે ફરિયાદીએ ત્રણ લાખ રૂપિયાની રકમ આરોપીને ચૂકવી દીધી હતી. હાલ તો પોલીસે દેવ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments