સુરત રિંગરોડની ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીને દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઠગબાજ વેપારીઓ ૧૬ લાખનો ચુનો ચોપડી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના કપડાં દલાલ મારફતે વેપારીના સંપર્કમાં આવી અલગ અલગ સમયે ૧૬ લાખનો કાપડનો માલ મંગાવી છેતરપીંડી કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ પૈસા આપવાના બદલે ગલ્લાંત લ્લાં કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પણ વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જાેકે દલાલે પણ હાથ ખંખેરી લેતા આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચાર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અશોકભાઈ રામવિલાસ મહંતો (કાપડ વેપારી,રહે ગોડાદરા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી) એ જણાવ્યું હતું કે, તેઓ રિંગ રોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં ભાગીદારીમાં ફેબ્રિક્સ એપના નામથી દુકાન ધરાવે છે અને તેમની પેઢીની ફેકટરી પાલ એસ્ટેટ રોડ નં-૭ ઉપર આવેલી છે. અશોકભાઈ પાસે ગત તા. ૨૨ જાન્યુઆરીથી ૬ મે સુધીમાં એલીંગન્ટ એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા રાજેશ અને સુનીલ મારફતે દિલ્હી ગાંધીનગર ખાતે જે.પે. ટેક્ષટાઈલ, શિવશંકર ક્રિએશન, મનોજ ટ્રેડીંગ તથા રેખા ટેક્ષટાઈલના પ્રોપરાઈટર પાર્થ રસ્તોગી અને દિનેશ રસ્તોગીએ કુલ રૂપિયા ૧૬,૨૪,૦૭૪નો ડ્રેસ મટીરીયલ્સનો માલ ખરીદ્યો હતો.
અશોકભાઈએ તમામ માલ ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હી મોકલી આપ્યો હતો. દરમિયાન નક્કી કરેલ ૩૦ દિવસની સમય મયાર્દામાં પેમેન્ટ નહી ચુકવતા અશોકભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા દિનેશ અને પાર્થ રસ્તોગી દ્વારા પેમન્ટ ચુકવી આપવાના ખોટા ખોટા બહાના કાઢી સમય પસાર કર્યો હતો. જેથી કાપડ દલાલ સુનિલ અને રાજેશને વાત કરતા તેઓ ઉશ્કેરાયા હતા અને હવે પછી જાે પેમેન્ટની ઉઘરાણી માટે ફોન કરશો તો હાથ-ટાટીયા તોડાવી જાનથી મારી નખાવીશ તેવી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર અશોકભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાપડ દલાલ સહીત ચારેય સામે ૧૬ લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments