fbpx
ગુજરાત

સુરતના ગોપીન ગામ ખાતે સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને ખૂલ્લો મૂકતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ઔદ્યોગિકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. રાસાયણિક ખેતીથી પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે, પ્રાકૃતિક ખેતી કરીને નવી પેઢીને ફળદ્રુપ જમીનની ભેટ આપો. કારણ કે પ્રાકૃતિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા સુરતના ગોપીન ગામ, મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને ખૂલ્લો મૂકતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. તા.૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન આયોજિત ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા ૩૦૦ ખેડૂતો દ્વારા ૨૫૦ જેટલા સ્ટોલમાં ઝેરી રસાયણમુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશો, ધાન્યોનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટોલોની મુલાકાત લઈને રાજ્યપાલશ્રીએ વિવિધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાકૃતિક ખેતીમાં જાગૃત્ત ખેડૂતો બાદ હવે ઉદ્યોગપતિઓ પણ બીડું ઝડપી રહ્યા છે એનો સવિશેષ આનંદ વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાત મહાપુરૂષોની ધરતી છે.

ગુજરાતની ભૂમિમાં કોઈપણ જનઆંદોલનનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે, ત્યારે ગુજરાત પ્રાકૃતિક ખેતીનું મોડેલ સ્ટેટ બની સમગ્ર ભારતને દિશા દર્શન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, પર્યાવરણના રક્ષણ માટે આપણે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવતી પ્રાચીન નૈસર્ગિક ખેતીને અનિવાર્યપણે અપનાવવી પડશે. ગુજરાતના ચાર લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જાેડાઈ ચૂક્યા છે એનો વિશેષ આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસોમાં ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જાેડવાનો લક્ષ્યાંક સેવ્યો હોવાનું ઉમેર્યું હતું. ઓર્ગેનિક ખેતીમાં સમાજ અને કુદરતના જતન અને સંવર્ધનની સંકલ્પના સમાયેલી છે. ‘શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ- ઉત્તમ સ્વાસ્થ્ય એ ખરી ધર્મ સાધના છે’ નો મંત્ર પરાપૂર્વથી આપણને સ્વસ્થ શરીરની મહત્તા સમજાવે છે. ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી ‘હેલ્ધી સોસાયટી’ના લક્ષ્યને સાધવા નૈસર્ગિક ખેતી જ ઉપયોગી બની રહેવાની છે એમ રાજ્યપાલશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આપણા પૂર્વજાેની પ્રાકૃતિક ખેતી તરફ પાછાં વળવાનો આ યોગ્ય સમય હોવાનું જણાવી તેમણે ખેતીમાં ખેડૂતો દ્વારા આડેધડ થતાં રાસાયણિક દવાઓ અને ખાતરના ઉપયોગથી માનવીય આરોગ્ય અને પર્યાવરણની વિકટ સમસ્યા ઊભી થઈ છે,

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ ભારતમાં ખેતીમાં આ જ પ્રકારે યુરિયા, ડી.એ.પી. ખાતરનો બેફામ ઉપયોગ થતો રહ્યો તો આવનાર દશકમાં કેન્સરના દર્દીઓનો વિસ્ફોટ થશે. જે સંદર્ભે આવી વિકરાળ સમસ્યાના એકમાત્ર નિવારણ માટે ઓર્ગેનિક ફાર્મિંગ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમા સમગ્ર ગુજરાત સહિત દેશમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની દિશામાં નવી જાગૃત્તિનો પવન ફૂંકાય તે ખૂબ આવશ્યક છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી દેશવાસીઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઈલાજ છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે પ્રેરાય એ માટે સમાજના તમામ વર્ગો સાથસહકાર આપે તેવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેના વાતાવરણનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે રાજ્યભરમાં તેજીથી આગળ વધારવામાં આવી રહ્યું છે. આ માટે એક યોજના તૈયાર કરી દેવામાં આવી છે. જે મુજબ દરેક તાલુકામાં ૧૦-૧૦ ગામોનું એક ક્લસ્ટર-સમૂહ બનાવીને માસ્ટર ટ્રેનર નિયુક્ત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ૧૫૦૦ માસ્ટર ટ્રેનર નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓને હરિયાણા ગુરુકુળમાં પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવશે. તેઓને મહિને રૂ. ૨૬૦૦૦ વેતન આપવામાં આવશે. આ ખેડૂતો ગામના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે. ૧૦ ગામદીઠ વેચાણનુ સ્થળ પસંદ કરી બજારની વ્યવસ્થા કરવામાં આવશે. રાસાયણિક ખેતીના પરિણામે કેન્સર, ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ વધી છે. ૬૦ જેટલા પશુ-પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. માતાના દૂધમાં પણ યુરિયાના અવશેષો જાેવા મળી રહ્યા છે. આમ, રાસાયણિક-જૈવિક ખેતીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. નીતિ આયોગના રિપોર્ટમાં પણ ગ્લોબલ વોર્મિંગ વધારવામાં ૨૪ ટકા રાસાયણિક ખેતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. મિનાક્ષી ડાયમંડના ચેરમેન, ઉદ્યોગપતિ અને સમાજસેવક ધનજીભાઈ રાખોલિયા ‘સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ’ના નેજા હેઠળ ફૂડ એક્સપો યોજી અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે જે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આ મેળાથી શીખ લઈને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઓર્ગેનિક ફૂડ એક્સપો યોજવાની દિશામાં કામગીરી હાથ ધરાશે એમ જણાવ્યું હતું. સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને વિશાળ ફલક પર વિસ્તારી છે.

તેઓ પોતાના વતન હરિયાણા કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ ખેતીના પરિણામો તેમણે જાતે અનુભવ્યા છે તેમ જણાવીને હવે ગુજરાતમા ખેડૂતો આ દિશામાં ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે,જેમ સમાજમાં ફેમિલી ડોકટરની પ્રણાલી પ્રચલિત છે, તેવી જ રીતે ફેમિલી ફાર્મર રાખવાનો સમય પાકી ગયો છે. વિવિધ અસાધ્ય રોગોને દૂર રાખવા માટે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. સુરતવાસીઓને ખેડૂતોના પ્રાકૃત્તિક ઉત્પાદનો ઘરઆંગણે મળી શકે, અને પ્રાકૃત્તિક કિસાનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તેમજ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા હેતુથી ‘ચાર દિવસીય ફૂડ એક્સપો’નું આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને અગ્રણી સમજસેવી શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, નાની ઉંમરે હાર્ટ એટેક, અકાળે અવસાન જેવી ઘટનાઓમાં રાસાયણિક દવાઓ, ખાતરથી પાકતા કૃષિ ઉત્પાદનોનું સેવન પણ જવાબદાર હોવાનું તારણ સામે આવ્યું છે એમ જણાવતા પ્રાકૃતિક કૃષિ માનવીય આરોગ્યની અનેક સમસ્યાના નિવારણનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આયોજકગણ અને મહાનુભાવોએ રાજ્યપાલશ્રીને કાઠિયાવાડી પાઘડી પહેરાવી, બળદગાડું અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મિનાક્ષી ડાયમંડના ચેરમેન અને સમાજસેવક ધનજીભાઈ રાખોલિયાઅગ્રણી સમાજસેવક, ગોપીન ગ્રૂપના લવજીભાઈ બાદશાહ, ગુજરાત પ્રાકૃતિક કૃષિના કન્વીનર પ્રફુલભાઈ સેંજલીયા, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ કાકડિયા, કેશુભાઈ ગોટી, મનહરભાઈ સાસપરા, શ્રીહરિ ગૃપના ચેરમેન રાકેશ દુધાત, રોહિતભાઈ ગોટી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી. કે. ટીંબડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગૌપાલકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts