સુરતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડનાર 3 બિલ્ડરોને કામરેજ પ્રાંત અધિકારીએ 24 કરોડનો દંડ ફટકાર્યો
કામરેજ ખોલવડ અને નવાગામ ખાતે ગરીબ અને અભણ ખેડૂત પાસેથી 73એએની જમીનનું બોગસ વસિયતનામું બનાવીને જમીન હડપવાનો કારસો રચનારાઓ વિરૂદ્ધ કામરેજ પ્રાંત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.આદિવાસી ખેડૂતની જમીન પર ફાર્મ હાઉસ અને શાળા ઉભી કરનારા ગેરકાયદેસર કબજેદારોને તપાસ દરમ્યાન કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય વિવાદીત જમીનનો કબજો સરકાર હસ્તક લેવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
કામરેજ તાલુકામાં ખોલવડ ગામે જુના બ્લોક નં. 419 નંબરથી 6600 સમચોરસ મીટર જમીન અને નવાગામ ખાતે જુના બ્લોક નં.57 થી નોંધાયેલ 13557 સમચોરસ મીટરવાળી 73એએ ની જમીનના મુળ માલિક મકનભાઈ હાટીભાઈ પાસેથી ડાહ્યાભાઈ પટેલ અને તેઓના મળતિયાઓ દ્વારા 25-04-2000ના રોજ વસીયતનામું બનાવ્યું હતું. ત્યારબાદ ડાહ્યા પટેલ દ્વારા અન્ય બોગસ ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને 2003માં જમીન માલિક મકનભાઈના નિધન બાદ વારસદારો સાથે કોર્ટમાં સમાધાન પણ કરીને બન્ને જમીનો પર કબ્જો મેળવી લીધો હતો.ગેરકાયદેસર કબજેદાર ડાહ્યાભાઈ પટેલ દ્વારા બન્ને જમીનો પૈકી નવાગામ ખાતે આવેલ જમીન પર ઈશ્વર ફાર્મ અને ખોલવડ ખાતે આવેલ જમીન પર સ્કુલ બાંધી દેવામાં આવી હતી. છેલ્લા 21 વર્ષ સુધી આ બન્ને જમીનો પર ડાહ્યા પટેલનો કબજો રહેવા પામ્યો હતો. બીજી તરફ સમગ્ર પ્રકરણમાં મુળ માલિક મકનભાઈ હાટીભાઈના વારસદારો દ્વારા ડાહ્યા પટેલ વિરૂદ્ધ 73એએની જમીનો પર ગેરકાયદેસર કબજા સંદર્ભે કલેકટર સહિતની કચેરીઓમાં રજુઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મામલતદારને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.આ જમીન વિવાદની તપાસ દરમ્યાન જમીનનો ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનું સાબિત થયું હતું. આ સિવાય જમીન મહેસુલ કાયદા હેઠળ જમીન સરકાર હસ્તક લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં, જમીનની હાલની જંત્રી મુજબની કિંમતનો ત્રણ ગણો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જે મુજબ ખોલવડ ગામમાં આવેલ જમીનની હાલની કિંમત 1.99 કરોડના હિસાબે 5.99 કરોડ અને નવાગામની જમીનની હાલની કિંમત 6.10 કરોડની સામે 18.30 કરોડ મળીને કુલ્લે 24.29 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Recent Comments