ગુજરાત

સુરતમાં એક્સિડન્ટના દર્દીને ડોક્ટર ન મળતા મોત થયું પરિવારનો આક્ષેપ

સુરત સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો હડતાળ પર ઊતર્યા છે, જેથી એક એક્સિડન્ટના દર્દીનું સિવિલમાં મોત નીપજ્યું હતું, જેથી પરિવારે આક્ષેપ કર્યો હતો કે સિવિલમાં હડતાળ ચાલતી હોવાથી યોગ્ય સારવાર ન મળતાં મોત થયું છે. પલસાણા નજીક ઇટારવા ગામે કારચાલકે ૩૫ વર્ષીય શ્યામસુંદર નામના યુવકને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વધુમાં, મૃતકના ભાઈએ ઉમેર્યું હતું કે તબીબો હાજર હોત અને યોગ્ય સારવાર મળી હોત તો મારા ભાઈનો જીવ બચી ગયો હતો. મૃતકનાં પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. સારવાર દરમિયાન જ પોતાના ભાઈનું મોત થતાં સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો.

મૃતક શ્યામ પાસવાન માત્ર ૩૫ વર્ષનો હતો. તેની પાછળ પત્ની અને બે દીકરી છે. પત્ની અને બે દીકરી પિતાની છત્રછાયા ગુમાવતાં ચોધાર આંસુએ રડતાં જાેવા મળ્યાં હતાં. પાસવાન પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એ પ્રકારે આક્રંદ કરતાં દેખાયો હતો. શ્યામ પાસવાન ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગનું કામ કરે છે. કંપનીમાંથી તે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. એ દરમિયાન રસ્તો ક્રોસ કરીને શાકભાજી લેવા માટે જઈ રહ્યો હતો. રોડ પરથી આવતી પૂરપાટ ઝડપે કારે તેને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ગાડી નંબર જીજે-૫ આરસી ૪૯૯૫ના ચાલકે અકસ્માત કરીને નાસી ગયો છે. કંપની નજીક જ અમારું ઘર હોવાથી તે ઘરે પરત ફરતી વખતે શાકભાજી લઈને આવી રહ્યો હતો.

અકસ્માત થતાં આસપાસના લોકોએ અમને જાણ કરી હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું. સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલની અંદર હડતાળ હોવાને કારણે મારા ભાઈને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. અમે જ્યારે ભાઇને સારવાર લેવા માટે આવ્યા ત્યારે માત્ર જુનિયર ડોકટરો જ હાજર હતા. કેસ પેપર કાઢતાં અને બીજી પ્રક્રિયામાં સમય પસાર થયો હતો. ત્યાર બાદ ડોક્ટરો દ્વારા કોઈને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે નસીબ હશે તો તમારો ભાઈ બચી જશે. થોડા સમય બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હડતાલ ન હોત અને બીજા મોટા સિનિયર ડોક્ટર હોત તો મારા ભાઈનો જીવ બચી શક્યો હોત. ડોક્ટરો તેમની માગણીને લઇને હડતાલ પર ઊતર્યા છે, જેથી કરીને ઇમર્જન્સી વિભાગમાં કોઈ સિનિયર ડોક્ટર હાજર નહોતો.

Related Posts