સુરતમાં એક યુવકને ૨૦થી વધુ ચપ્પાના ઘા મારી હત્યા કરાઈ
સુરતમાં પાંડેસરા વિજય સિનેમા નજીક ઉત્તરાયણની ઢળતી સાંજે ૬-૭ હુમલાખોરોએ યુવકને જાહેરમાં ૨૦થી વધુ ઘા મારી પતાવી દીધો હતો. ૫ મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં મોનુની હત્યા તેના જ મિત્રોની નજર સામે થઈ હોવાનું પિતાએ જણાવ્યું હતું. અગાઉ હુમલાખોરોએ આકાશ નામના યુવકને માર મારી મોપેડ સળગાવી દીધું હતું. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મોનુની લગ્નની વાત ચાલી રહી હતી. બ્રિજપાલ સિંગ (મૃતક મોનુના પિતા)એ જણાવ્યું હતું કે મોનુ મિલમાં ઓપરેટર હતો. ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો. લગ્નની વાત ચાલી રહી હતી ને ઉત્તરાયણની ઢળતી સાંજે દીકરાને પતાવી દીધો હોવાની જાણ થઈ, જાણે એક પલ માટે હૃદય બેસી ગયું હતું. મોનુને જાહેરમાં શરીર પર ૧૫-૨૦ ઘા મારી ક્રૂરતાપૂર્વક મારી નખાયો છે. ૫ મહિના પહેલાં મોનુના મિત્ર આકાશ સાથેના ઝઘડામાં મધ્યસ્થી થનાર મોનુને આયોજનપૂર્વક પતાવી દેવાયો છે. મોનુ તો એના મિત્ર રાજા અને નિલેશ સાથે ફરવા નીકળ્યો હતો. કોને ખબર હતી કે આ મોનુની છેલ્લી સફર હશે. બન્ને મિત્રોની નજર સામે જ હુમલાખોરોએ હત્યા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હત્યારો બૂટલેગર છે, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. પાંડેસરા વિસ્તાર હવે શ્રમજીવીઓ માટે રહેવાલાયક રહ્યો નથી. ગાલ, મોઢા, ગરદન, પેટ, પીઠ, પગ, થાપો સહિત આખા શરીરને ચીરી નખાયું છે. ૧૦ મિનિટ સુધી હુમલાખોરોએ જાનવરની જેમ ઉપરાઉપરી ઘા માર્યા છે. બસ, પોલીસ હવે ન્યાય અપાવે એ જ આશા છે.
Recent Comments