સુરતમાં કોરોનાના કેસ વધતા આરોગ્યતંત્ર સજાગ બન્યું
દિવાળી બાદ શાળાઓ શરૂ થતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. નવેમ્બર મહિનામાં ૬ જેટલા કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ નોંધાયા અને એક મહિનામાં તો ૬ ગણો વધારો થઈ ગયો. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે સુરતમાં સ્થિતિ શું છે અને તૈયારીઓ કેવી છે?
શાળા શરૂ થતી વખતે જ શાળા સંચાલકો અને વાલીઓને ચિંતા હતી કે, કોરોના સંક્રમણમાં પોતાના બાળકો ન આવે. પરંતુ સ્થિતિ ધીરે ધીરે વધુ ગંભીર થતી હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર મહિનાની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં જે રીતે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તે જાેતા સ્વાભાવિક રીતે જ ચિંતાનું વાતાવરણ છે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતાં હવે આરોગ્ય વિભાગે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોની યાદી તૈયાર કરવા તાકીદ કરી છે. ત્યારબાદ ઝડપથી તરૂણોનું વેક્સિનેશન પણ શરૂ કરાશે. શાળામાં પણ સતત કોરોના ટેસ્ટીંગ શરૂ કરાયું છે. આ સિવાય શહેરમાં ૯૪ જેટલા વિસ્તારો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ ટિમો બનાવી કોર્પોરેશન દ્વારા રાત્રીના સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં કોર્પોરેશનનું ચેકિંગ રહેશે. અને નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ સજ્જ કરી દેવાઈ છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં ૧ હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગંભીર દર્દીઓ માટે ૧૨૦ બેડનું આઈસીયુ પણ તૈયાર કરાયું છે. ઓમિક્રોનના દર્દી માટે પાંચમાં માળે ૫૦ વેન્ટિલેટર બેડ અને સાતમા માળે બાળકો માટે ૧૨૬ બેડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓને સારવાર આપવા કુલ ૮૫૨ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જે પૈકીના ૧૦૦ જેટલા બગડેલા વેન્ટીલેટરનું તાત્કાલિક સમારકામ હાથ ધરાયું છે. આમ આ વખતે કેસ વધવાની સાથે જ તંત્ર એલર્ટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે સૌથી પહેલાં તો કોરોના વધુ ફેલાય નહીં અને માનો કે સંક્રમણ હજી વધે તો પણ યોગ્ય સારવાર લોકોને મળી રહે.
Recent Comments