સુરતમાં ક્રિકેટ રમતાં-રમતાં યુવાન થયો બેભાન, અચાનક જ મોત
સુરતઃ કામરેજ તાલુકામાંથી એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. શેખપુર ગામનં કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતાં રમતાં મોત નીપજ્યું છે. આ યુવક લૂટ ગામના મેદાનમાં રમવા ગયો હતો. તે દરમિયાન ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઇ ગયો હતો. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કામરેજ તાલુકાનાં છેવાડાના શેખપુર ગામે રહેતો કિશન પટેલ નામનો યુવક રવિવારે ઓલપાડ તાલુકાનાં સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતાં રમતાં અચાનક યુવાન બેભાન થઇ ગયો હતો.
જે બાદ યુવાનનું ક્રિકેટ રમતા અચાનક મોત થતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટના બાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો હતો. આપને જણાવીએ કે, ત્રણ વર્ષ પહેલા પણ શેખપુર ગામમાં આવી જ એક ઘટના બની હતી. જે ઘટનામાં પણ યુવકનું મોત થયું હતું. ત્યારે ત્રણ વર્ષના સમય ગાળામાં ક્રિકેટ રમતા રમતા બે યુવકનો ભોગ લેવાની ઘટનાએ ગામ શોકમાં ડૂબ્યું છે. થોડા સમય પહેલા રાજકોટમાંથી પણ આવા બે સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક યુવાનનું ક્રિકેટ રમતાં અને અન્ય યુવાનનું ફૂટબોલ રમતાં મોત નીપજ્યું હતુ.
રાજકોટથી બે યુવકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટએટેકના કારણે મોત થયાનું સામે આવ્યું છે. એક ઘટનામાં એક યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમત દરમ્યાન ટેનિસ બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટએટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટએટેક આવતા ૨૧ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતુ.
Recent Comments