સુરતમાં ટેક્સટાઈલ પાર્ક બને તો એમના માટે આનંદની વાત હશે : પિયૂષ ગોયલ
દેશની દરેક વ્યક્તિ ઇમાનદારીથી વેપાર કરવા માંગે છે એમ નોંધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે સૌને સમાન અવસર મળે. કઈ ખોટું થાય તો એ રોકવાની સરકારની જવાબદારી છે. ટફ યોજનામાં પણ અગાઉ ખોટું થયું હતું. અમે એમાં મંજૂરીને સરળ કરી છે અને હજી પગલાં લઈ રહ્યાં છીએ.કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ અને દર્શના જરદોશે વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યકમમાં ૭૧ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કર્યા હતા. અન્ન કલ્યાણ યોજના અને રસીકરણ કેમ્પની મુલાકાત લીધી હતી. વાજબી ભાવની દુકાનો અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ વેચી શકે એ માટે પિયૂષ ગોયલે સૂચના આપી હતી.
તેમણે સુરતમાં નિર્માણાધીન ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી હતી.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્સટાઈલ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયૂષ ગોયલે આજે સુરતમાં વેપાર અને ઉદ્યોગના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ ઈન્ટરએક્ટિવ સેશનમાં કેન્દ્રીય મંત્રીએ વેપાર અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનથી સાંભળીને સરળીકરણ અને વધારે સુગમતા માટેના પ્રયાસોની ખાતરી આપી હતી. ઉદ્યોગકારોએ સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા ઝડપી પગલાંઓની પ્રશંસા કરીને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. ઉદ્યોગકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે નોંધ્યું કે આજે પ્રધાનમંત્રીના જન્મદિને સુરત, ગુજરાત આવવાનો મોકો મળ્યો એ ગર્વની વાત છે. આજે યોગાનુયોગે એમના ૭૧મા જન્મદિને મારા નવા મંત્રાલયમાં પણ ૭૧ દિવસ પૂરા થાય છે.
આપણે ઝડપથી આગળ વધવાનું છે. પ્રધાનમંત્રી મોદીએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતને પાવર કટની સમસ્યામાંથી મુક્ત્તિ અપાવી હતી એમ તેમણે દેશની બાગદોર સંભાળતા દેશને પણ વીજળીના સંકટમાંથી હેમખેમ બહાર કાઢ્યું છે. તેઓ ૨૦ વર્ષોથી સતત લોકસેવા કરી રહ્યા છે અને તેઓ કદી આત્મસંતુષ્ટિ અનુભવતા નથી. પિયૂષ ગોયલે ઉદ્યોગકારોને સરકારની યોજનાઓનો લાભ લેવા, ખાસ કરીને પીએલઆઇ યોજનાનો લાભ લઈને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા હાકલ કરી હતી. સુરતના કાપડ ઉદ્યોગને ૪૦-૫૦ કિમી દૂર જવાનું સૂચન કરતા તેમણે કહ્યું કે પીએલઆઇમાં ટાયર થ્રી શહેરો અને ગ્રામીણ વિસ્તારોને અગ્રતા આપવામાં આવી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આપણે ટેક્સટાઈલની ૧૦૦ અબજ ડૉલરની નિકાસના અને ૧૫૦ અબજ ડૉલરના આઉટપુટ વેલ્યુ લક્ષ્યાંકને હાંસલ કરી શકીશું અને સુરતનું એમાં મોટું યોગદાન રહેશે. સુરતમાં ટેક્સટાઈલ પાર્ક બને તો એમના માટે આનંદની વાત હશે. પિયૂષ ગોયલે કહ્યું કે અહીં ઉઠાવાયેલા મોટા ભાગના પ્રશ્નોનો જલદી ઉકેલ આવી જશે.
અમુક પ્રશ્નો અલગ મંત્રાલયને લગતાં, બૅન્કને લગતા છે તેમ છતાં, અમે એવું બહાનું કાઢીને છટકી જઈશું નહીં. આ મોદી સરકાર છે અને આખી સરકાર એક સરકાર છે. તેમણે કાર્યક્રમ સ્થળેથી જ આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર સાથે ફોન પર વાત કરીને બૅન્ક ગૅરન્ટીના મુદ્દે શીઘ્ર ઉકેલ માટે તાકીદ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બીઆઇએસ સ્ટાન્ડર્ડ માટે સરકાર કટિબદ્ધ છે અને તેને વૈશ્વિક ધારાધોરણ સાથે એકરૂપ કરવામાં આવશે. તેમણે વિદેશ વ્યાપાર સમજૂતી (એફટીએ) અંગે પણ ચર્ચા કરીને કહ્યું કે આ સમજૂતીઓ દ્વિપક્ષી હોય છે એટલે આપણે કઈ પ્રોડ્ક્ટ્સમાં સ્પર્ધા કરી શકીએ એમ છે એની વિગતો સાથે ઉદ્યોગકારો આગળ આવે તો આવી ઘણી સમજૂતીઓ થઈ શક્શે. તેમણે હૉલ માર્કિંગ વિશે કહ્યું કે ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ છે અને એનાથી લોકોને લાભ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી અને સુરતનાં સાંસદ દર્શના જરદોશ, ટેક્સટાઈલ કમિશનર રૂપ રાશિ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દર્શના જરદોશે કહ્યું કે ઘણી બધી માંગણીઓ ટૂંક સમયમાં સંતોષાઇ ગઈ છે અને ઉદ્યોગકારો ખુશ છે એનો આનંદ છે. આજે પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે સુરતમાં ખાસ રેપિયર જેકાર્ડ પર તૈયાર કરાયેલ નરેન્દ્ર મોદીનું ચિત્ર કેન્દ્રીય મંત્રીઓને ભેટ અપાયું હતું. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે બાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કોરોનાકાળમાં શિપિંગ કન્ટેનરની બિનઉપલબ્ધતા અને વધેલા ભાવ અંગે કહ્યું કે આમ તો આ કંપનીઓની બાબત છે અને સરકાર દરમિયાનગીરી નથી કરતી પણ સરકાર નીતિ લાવવા વિચારશે. પાંચ ટ્રિલિયન ડૉલર અર્થતંત્રના લક્ષ્યાંક વિશે પૂછાતા તેમણે કહ્યું કે કોરોના માત્ર ભારતમાં, નહીં વૈશ્વિક છે, એટલે થોડા વિલંબ સાથે પણ આ લક્ષ્યાંક હાંસલ થઈને રહેશે.
Recent Comments