fbpx
ગુજરાત

સુરતમાં ટ્રાફિક પોલીસે કાર રોકતા અટકાવી તો ૫૦ મીટર દૂર સુધી ઘસડી ગયો

ફુલસ્પીડમાં આવતી શંકાસ્પદ કારને રોકવામાં ચાલકે ટ્રાફિક પોલીસ પર કાર ચઢાવી દેતા બોનેટ પર ૫૦ મીટર સુધી ઘસડી ગયો હતો. જેના કારણે ટ્રાફિક પોલીસને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. મૂળ રાજકોટના વતની અને હાલમાં સુરતમાં સલાબતપુરા પોલીસ લાઇનમાં રહેતા ટ્રાફિક પોલીસના રિજીયન-૩માં ફરજ બજાવતા યશપાલસિંહ ચંદુભા ગોહિલ અલથાણ કેનાલ રોડ ખાતે આવેલા ઈશ્વર ફાર્મની બાજુમાં ટીઆરબી જવાન અને અન્ય પોલીસકર્મીઓ સાથે ફરજ બજાવી રહ્યા હતા.

આ દરમિયાન એક સિલ્વર કલરની સ્કોડા કાર ફુલ સ્પીડમાં આવતી હતી. આથી કાર શંકાસ્પદ લાગતા ટ્રાફિક પોલીસે કારને રોકવાની કોશિશ કરી હતી. ચાલકે પોલીસની નજીક આવી કાર ધીમી કરી હતી. આથી ટ્રાફિક પોલીસને લાગ્યું કે કારનો ચાલક ઊભો રહી જશે. જાે કે ટ્રાફિક પોલીસના જવાન જેવી કારની નજીક જતા ચાલકે કાર પુર ઝડપે ભગાડી મુકી હતી. જેમાં ટ્રાફિક પોલીસના જવાન યશપાલસિંહના પગ પર કાર ચઢાવી દેતા તેઓ બોનેટ પર ૫૦ મીટર સુધી ઘસડી નીચે પટકાયા હતા.ઈજા પામેલા પોલીસના જવાનને સાથીકર્મીઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કારચાલકને પકડવા માટે પોલીસે ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલરૂમને ગૃપ મેસેજ કર્યો હતો. છતાં કારનો ચાલક હાથ આવ્યો ન હતો. સ્કોડા કારનો નંબર પોલીસ પાસે આવી ગયો છે અને કારનો માલિક નવસારી બજારમાં રહે છે. ચાલક સિવાય કારમાં અન્ય કોઈ ન હતું. બનાવ અંગે ટ્રાફિક પોલીસના જવાન યશપાલસિહ ગોહિલે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સ્કોડા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસના સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે.

Follow Me:

Related Posts