સુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટોને દેશમાં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું
દેશના અર્થ તંત્રને પાયમાલ કરવાના ઇરાદે ડુપ્લીકેટ ચલણી નોટોને દેશમાં ઘુસાડવાનું રેકેટને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે દુધનું વેચાણ કરતા યુવકની મદદથી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી હતી. લુધીયાણાના અન્ય આરોપીની સંડોવણી બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે લુધિયાના ખાતેના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી છે. જેની પાસેથી ૪૬ હજારની બનાવટી ચલણી નોટો સહિત પ્રિન્ટર મશીન તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર નજીકથી ચોથી સપ્ટેમ્બરના રોજ એક યુવકનો પાંડેસરા પોલીસને કોલ આવ્યો હતો. કોલ કરનારી વ્યક્તિ દૂધનું વેચાણ કરે છે અને તેણે પોલીસને હકીકત જણાવી હતી કે, એક યુવક તેની પાસે દૂધ લેવા માટે આવ્યો હતો. જેણે ૫૦૦ રૂપિયાની નોટ આપી હતી. જાેકે બાદમાં આ નોટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
યુવકના કોલ બાદ પાંડેસરા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક આવેલા જલારામ નગરમાં રહેતા અને ફર્નિચરનું કામકાજ કરતા દશરથ વિશ્વકર્મા નામના શખ્સ દ્વારા બનાવટી ચલણી નોટ આપવામાં આવી હતી. પાંડેસરા પોલીસે દશરથ વિશ્વકર્માના નિવાસસ્થાને છાપો મારતા ૫૦૦ ના દરની સાત જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી.
આરોપીએ જણાવ્યું હતું કે, પોતે અર્ેંેહ્વી ઉપર રેન્ડમ રિલ્સ જાેઈ રહ્યો હતો. જે દરમ્યાન એક એવી રિલ્સ સામે આવી હતી કે, જેમાં બનાવટી ચલણી નોટ ક્યાં પ્રકારે બને છે તેની માહિતી જાણવા મળી હતી. જેથી પોતે આ રિલ્સ પર કૉમેન્ટ કરતા સામેવાળી વ્યક્તિએ ૧૫૦૦ રૂપિયામાં અસલ ચલણી નોટ લઈ તેના અવેજમાં ૫૦૦ ના દરની ૧૦ બનાવટી ચલણી નોટો મોકલાવી હતી. જે ૧૫૦૦ રૂપિયાનું પેમેન્ટ સુરતના આરોપીએ ઓનલાઈન કર્યું હતું. બનાવટી ચલણી નોટોનું રેકેટ મોટું હોવાની શક્યતાના પગલે પાંડેસરા અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવટી ચલની નોટોના આ કારોબારમાં લુધિયાણાના રાહુલ મલેક નામના શખ્સનું નામ બહાર આવ્યું હતું.
જેથી પાંડેસરા પોલીસની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ લુધિયાણા ખાતે રવાના થઈ હતી. લુધિયાણા ખાતેના ઇસ્લામગંજ ખાતે રહેતા રાહુલ મલેક ત્યાં બંને ટીમોએ છાપો માર્યો હતો. જ્યાંથી રાહુલ મલેકની ધરપકડ કરી બંને ટીમો સુરત આવવા રવાના થઈ હતી. પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા ૪૬ હજારની ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો તેમજ નોટ છાપવા માટેનું પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ હાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બનાવટી ચલની નોટોના કારોબારમાં અન્ય મોટા માથાઓના નામો બહાર આવે તેવી શકયતા છે.
Recent Comments