fbpx
ગુજરાત

સુરતમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડ્યાં, ૧ વર્ષીય બાળકીનું મોત

સુરત શહેરના પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ ઘવાયાં હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ ૧ વર્ષીય માસૂમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

૭-૮ વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જાેકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જાેવા મળ્યો છે.

મમતાબેન (મૃતકની ફોઇ)એ જણાવ્યું હતું કે સિયા પ્રદીપ ખાંડે ૧ વર્ષની જ હતી. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં ૨૦ બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ માતા આશા અને પિતા પ્રદીપને સ્મિમેરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપી દેવાઇ હતી. એટલું જ નહીં, પણ આ ઘટનામાં એક મોટી દીકરી હર્ષિતા નીચે નાનાને ત્યાં સૂવા જતા બચી ગઈ હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસૂમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસૂમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ૪ કે ૫મી ઘટના છે. પોપડાં પડતાં હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરિંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

Follow Me:

Related Posts