સુરતમાં પોલીસે રિટર્ન પાર્સલોમાંથી માલ બદલી વેપારીઓને પરત કરતા ૬ની ધરપકડ કરી
ઓનલાઈન પાર્સલો પહોચાડતી મિંત્રા કંપનીના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા પાર્સલોમાંથી ઓરિજનલ પ્રોડક્ટને બદલી હલકી ગુણવતાવાળો માલ મૂકીને વેપારીઓને પરત કરવામાં આવતો હોવાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બનાવમાં પુણા પોલીસે તપાસ કરી ૬ આરોપીની ધરપકડ કરી છે. સુરતના કતારગામ ખાતે રહેતા અંબરીશભાઈ મિયાણી સારોલી સ્થિત આશીવાર્દ ટેક્સટાઈલ માર્કેટમાં ભાગીદારીમાં કુર્તી-ડ્રેસ વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરી ઓનલાઈન વેચાણ કરે છે. તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મિંત્રા કંપનીના કર્મચારી દ્વારા ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા પાર્સલોમાંથી ઓરિજનલ માલ કાઢી તેના બદલે હલકી ગુણવતાવાળો માલ મોકલી ૧૫ લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. વેપારીની ફરિયાદના આધારે પુણા પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી.
આ ઘટનામાં પુણા પોલીસે પીકઅપ બોય નીલેશ ઉર્ફે ભૂષણ સુરેશ પાટીલ, બાર કોડ સ્કેનર અઝહર કરીમખાન યુસુફખાન પઠાણ, સુપર વાઈઝર દીપક રવીન્દ્ર પાટીલ, પીકઅપ બોય સશાંક સુભાષ પાટીલ તથા માલ વેચનાર એઝાઝ નાશીરખાન અને મોહમદ જાવેદ સલીમ શેખની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં કંપનીના ૪ કર્મચારીઓ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા પાર્સલોમાંથી ઓરિજનલ માલ કાઢી તેમાં હલકી ગુણવતાનો માલ વેપારીઓને પરત મોકલતા હતા. ઓરિજનલ માલ એઝાઝ નાશીરખાન અને મોહમદ જાવેદ સલીમ શેખને વેચવા માટે આપી દેતા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ ૧૩.૮૮ લાખનો મુદામાલ પણ કબજે કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments