ગુજરાત

સુરતમાં બાળકીઓ સાથે અત્યાચારનો સિલસિલો યથાવત,લોકોએ ધારાસભ્ય સામે કાઢ્યો બળાપો,પુછ્યું “શું કરી રહી છે સરકાર.!

સુરતમાં બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ સામાન્ય થઇ ગઈ છે. આજે પણ શહેરના પુણાગામ વિસ્તારમાં પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ કરીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને પકડી પણ પાડ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સ્થાનિક ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને લોકોએ ઘેરી આકરા સવાલો પુછતા માહોલ ગરમાયો છે.

પુણાગામ ભૈયાનગર માં રહેતી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી લઇ જઈને તેની હત્યા કરીને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપી લલનસિંહ ની ધરપકડ કરી હતી. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં પરિવાર સાથે સુતેલી બાળકી સાથે બળાત્કાર ગુજારવાના ઇરાદે નરાધમ તેને ઊંચકી ગયો હતો. જોકે બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.

– લોકોએ ધારાસભ્ય સામે ઠાલવ્યો આક્રોશ.

જોકે વધુ એક બાળકી પીંખાઈ જતા સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો. ઘટના બાદ આજે જયારે સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. એટલું જ નહીં તેમને આકરા સવાલો પણ પૂછ્યા હતા. જેનો જવાબ આપતા ધારાસભ્યને પરસેવો પડી ગયો હતો.

ટોળામાં ઉભેલી એક મહિલાએ તો ધારાસભ્યને રોકડું પરખાવી દીધું હતું કે આવી ઘટનાઓ વારંવાર બને છે તેને રોકવા માટે સરકાર કે પોલીસ શુઁ કરી રહી છે ? આરોપીની ધરપકડ તો કરી લેવામાં આવે છે પણ બાળકી અને દીકરીઓની જિંદગી ખરાબ થઇ જાય છે. કોઈ નક્કર સજા ન થઇ શકવાને કારણે આવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. જેથી સરકારે અને પોલીસે કડક કાયદો લાવીને આ માટે કાર્યવાહી કરવાની જરુર છે.

અન્ય એક શખ્શે કહ્યું હતું કે આ વિસ્તારમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. જેની ફરિયાદ પોલીસને અવારનવાર કરવામાં આવે છે. છતાં પોલીસ વાન ફક્ત નામ ખાતર રાઉન્ડ મારીને નીકળી જાય છે. કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સાંજે અંધારું થયા પછી દીકરીઓને અને યુવતીઓને આ વિસ્તારમાંથી પસાર થતા પણ બીક લાગે છે.

નોંધનીય છે કે એકતરફ ગુનાખોરી પર કાબુ મેળવવા સુરત પોલીસ રાત દિવસ મેહનત કરી રહી છે. છતાં બાળકીઓ સાથે દુષ્કર્મ હત્યાની અવારનવાર બનતી ઘટનાઓથી સમાજ સ્તબ્ધ છે. આવી ઘટનાઓમાં તો હવે સ્પીડી ટ્રાયલ પણ ચાલે છે. અને આરોપીઓને ફાંસી સુધીની સજા પણ થઇ જાય છે. છતાં તેને સદંતર બનતી અટકાવવા માટે પણ સરકારે કોઈ કાયદો નિયમ બનાવવાની જરૂર છે તેવું લોકોને લાગી રહ્યું છે.

Follow Me:

Related Posts