ગુજરાત

સુરતમાં બે કલાકમાં ૧ ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા

સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ ૧૧થી૧૩ જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે ૧૦મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. દરમિયાન આજે વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં ૧ ઈંચથી વધુ વરસાદથી વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન ચોમાસું વિધિવત્‌ બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે.

સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ૧ ઈંચ વરસાદમાં જ પાણી ભરાવાથી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદને પગલે વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસથી વધી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક છવાતા શહેરીજનોને રાહત મળી હતી. જાેકે, વરસાદી માહોલ છવાતાં શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખાડી પાસે રોડ પર ખાડીનાં પાણી ભરાઇ જતા રસ્તા પરની ગટરો બ્લોક થઇ ગઇ હતી. જેના કારણે પાણીનો નિકાલ ન થઇ શકતા પાણીનો ભરાવો વધ્યો હતો. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Follow Me:

Related Posts