હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સુરતમાં આજે કોરોનાકાળની મોટી કરૂણાંતિકા સામે આવી છે. સુરતમાં બે દિવસ પહેલા ૧૩ દિવસની બાળકીનું કરૂણ મોત થયા બાદ વધુ એક ૧૪ દિવસની બાળકીનું કોરોનાથી દુઃખદ મોત નિપજ્યું છે. કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતકી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ૧૪ દિવસની આ બાળકી સારવાર હેઠળ હતી. તબીબોએ બાળકીને બચાવવા માટે ખુબ જ મહેનત કરી છતાં તે નવજાત બચી શકી નહોતી.
અત્રે નોંધનીય છે કે, સુરતમાં એક મહિનામાં ૧૦ વર્ષથી નીચેના ૨૮૬ બાળકોસંક્રમિત થયા હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં અત્યાર સુધીમાં ૩ બાળકોના મોત અને ૪ બાળકોની હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી વધુ એક ૧૪ દિવસની બાળકીનું મોત નિપજ્યું છે. સુરતમાં કોરોના કાળની મોટી કરૂણાંતિકા કહી શકાય તેમ વધુ એક ૧૪ દિવસની બાળકીને કાળમુખા કોરોનાએ પ્રાણ હરી લીધા છે. હોસ્પિટલના તબીબોએ ખુબ જ મહેનત કરી હોવા છતાં બચી શકી નહોતી. આ ઘટના બન્યા પછી દીકરીને હાથમાં લેવાનો અભરખા જાેયેલા પિતાની આંખો ચૌધાર આંસુએ રડી પડી હતી. ૧૪ દિવસની વહાલસોયી બાળકીનું કોરોનામાં મોત થતાં પિતાએ હૈયે લગાવી કરૂણ આક્રંદ કરી મૂક્યું હતું. જેના કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું. પિતાએ જણાવ્યું હતું કે, ‘જેના મેં કન્યાદાન કરવાનાં સપનાં જાેયાં હતાં, તેનું તર્પણ કરવું પડશે તે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું.’
પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીનું નામ મેં યશ્વિનીબા પાડવાનું નક્કી કર્યું હતું. જેની અમારા બધાની ઈચ્છા હતા, પરંતુ હજુ નામ પણ નહોતું પાડ્યું અને તે અમને હંમેશાં માટે મૂકીને જતી રહી. પિતાના કરૂણ આક્રંદથી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સોની આંખો પણ ભીની થઈ હતી.
Recent Comments