આજના આધુનિક યુગમાં ઇ-ચલણનું નેટવર્ક ખૂબ મોટા પાયે વિસ્તર્યું છે. તો બીજી તરફ અવનવી તરકીબો અજમાવી ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ પણ ચિંતાજનક વધી રહી છે. પરિણામે લોકો પોતાની કીમતી મત્તા પણ ગુમાવી રહ્યા છે. અને દિન-પ્રતિદિન ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેવામાં સુરતમાં મ્યુનિસિપલ કમિશનરના નામથી ફેક મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા ચકચાર મચી ગઈ છે.
– સુરત મ્યુનિસિપલ કમિશનરના નામથી તિકડમબાજોએ માંગ્યા પૈસા.
મળતી માહિતી મુજબ તાજેતરમાં એક અજાણ્યા નંબર પરથી સુરત પાલિકાના વિવિધ વિભાગના ત્રણેક અધિકારીઓને એમેઝોન ગિફ્ટ વાઉચરના નામે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અધિકારીઓને સાથે ચેટ કરનાર તિકડમબાજે વોટ્સઅપના આઈડી નંબર ઉપર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો ફોટો પ્રોફાઈલમાં રાખી સાથે એસએમસી કમિશનર તરીકે મોબાઈલ નંબર સેવ કર્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામનો દુરૂપયોગ કરી રૂપિયાની માંગણી કરવામાં આવતા પાલિકાના વહીવટી બેડામાં ચકચાર મચી જવા પામી છે.
જોકે સુરત મનપા કમિશનરના મોબાઈલ નંબરથી તમામ અધિકારીઓ વાકેફ છે. જેથી અધિકારીઓને જાણ થઈ ગઈ હતી કે અન્ય નંબરથી કોઈ વ્યક્તિ ચિટિંગ કરવાને ઇરાદે આ મેસેજ મોકલી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તરફથી ભૂતકાળમાં આ પ્રકારે કોઈ પણ અધિકારી સાથે અઘટિત માંગણી કરવામાં આવી નથી. તે હકીકત પણ તમામ અધિકારીઓ જાણે છે. જેને કારણે તિકડમ બાજ સફળ થયા નહતો. અધિકારીઓએ સજાગતા વાપરી આ મામલે તુરંત જ મ્યનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું.
આ મામલાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનરે તુરંત સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો. અને ફ્રોડ આચરનાર તિકડમબાજો સામે કાર્યવાહી કરવા અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કમિશનરના નામે રૂપિયાની માંગણી કરનાર તિકડમબાજનો મોબાઈલ નંબર રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના મેયર કેયુરભાઈ રોકડિયાના ફોટા સાથે ફેક વોટ્સએપ એકાઉન્ટ થકી લોકોના મોબાઈલ ફોન ઉપર મેસેજ પહોંચી રહ્યા હતા. અને અલગ-અલગ કારણો દર્શાવી નાણા પડાવવામાં આવી રહ્યા હોવાની માહિતી સાંપડી હતા.આસિ.ડે. મ્યુ.કમિશનર જીતેશભાઈ ગોહિલે મેસેજ મેયર કેયુરભાઈનો સમજી ઓનલાઈન 50 હજાર ટ્રાન્સફર કરી દેતા નાણાં ગુમાવવાનો વારો પણ આવ્યો છે. જે અંગે તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments