ગુજરાત

સુરતમાં શ્રીજી જેમ્સના ૩૦૦ કરતા વધુ રત્ન કલાકારો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

કોરોના સંક્રમણની વિદાયની સાથે હીરા ઉદ્યોગમાં તેજીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં અલગ અલગ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો પગાર વધારાની માંગ કરી રહ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રવાણી જેમ્સ તરીકે ઓળખાતા શ્રીજી જેમ્સના ૩૦૦ કરતા વધારે રત્ન કલાકારો પગાર વધારાની માગ સાથે કામકાજથી અળગા રહ્યાં છે.૫ વર્ષથી પગાર વધારો ન થયો હોવાથી ગાંધી ચીંધ્યા માર્ગે સતત બીજા દિવસે હડતાળ પર ઉતરેલા રત્નકલાકારોએ લડી લેવાના મૂડમાં કહ્યું કે, જ્યાં સુધી પગાર નહીં વધે ત્યાં સુધી હડતાળ યથાવત રખાશે.

સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ જેવા વિસ્તારોમાં મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં લાખોની સંખ્યામાં રત્નકલાકારો કામ કરી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે સુરત શહેરની તમામ ફેકટરીઓ બંધ હતી. પરંતુ, હવે તે ધીરે-ધીરે ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. રત્ન કલાકારોને લોકડાઉન સમયનો પણ પગાર મળ્યો નથી. ઘણા વર્ષોથી ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા હીરા કટિંગ અને પોલિશ્ડ કરનારાઓના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો ન કર્યો હોવાના આક્ષેપ રત્નકલાકારો કરી રહ્યાં છે.

કોરોના સંક્રમણના લોકડાઉનના સમય બાદ સમગ્ર વિશ્વમાં મંદી અસર થઇ હતી. પરંતુ, હવે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય બજારો ખુલી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં વિશ્વ વ્યાપી તેજી જાેવા મળી રહી છે, ત્યારે સુરતના ડાયમંડ કંપનીના સંચાલકોના નફામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં તેજીનો માહોલ હોવા છતાં પણ તેનો લાભ રત્ન કલાકારોને ન મળતાં વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું કહેતા રત્નકલાકારોએ ઉમેર્યું કે, મંદીમાં પગાર ન મળ્યો અને તેજીમાં પૂરતો ભાવ ન અપાતા અમારી હાલત બન્ને બાજુથી કફોડી થઈ છે.

Follow Me:

Related Posts