સુરતમાં હિટ એન્ડ રનઃ લક્ઝુરિયસ કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ચાલક ગંભીર રીતે ઘાયલ
સુરતમાં અતુલ વેકરિયાની કારથી અકસ્માતમાં એક મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં લક્ઝુરિયસ બ્લેક ફોચ્ર્યુનર કારે એક યુવકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં અવધ વાઇસરોય બિલ્ડિંગ પાસે બ્લેક કલરની ફોચ્ર્યુનર કારે એક્ટિવાસવારને અડફેટે લઈ ૩૦થી ૪૦ ફૂટ ઘસડી નાસી છૂટ્યો હતો. લક્ઝુરિયસ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.
સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય સાગર પોતાની બહેનના ઘરેથી યોગી ચોક તરફ જતો હતો. દરમિયાન બ્લેક ફોચ્ર્યુનર ગાડીએ તેને અડફેટે લીધો હતો ગાડીચાલક નિમેષ બાબુ સાકરિયા હોવાનું જાણવા મળ્યું છે. ૧૪૩ શાંતિનાગર -૨ સરથાણામાં રહે છે. સાગર એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે ગાડી હંકારીને તેને અડફેટે લીધો હતો. અડફેટે લેતાંની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા. લોકો વધુ એકત્રિત થતાં નિમેષ સાકરિયા ગાડી છોડીને ભાગી ગયો હતો. લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ફોચ્ર્યુનર ગાડીનો ચાલક નિમેશ બાબુ સાકરિયાએ ૩૦થી ૪૦ ફૂટ સુધી સાગરને ઘસડ્યો હતો એટલી હદે બેફામ રીતે ગાડી ચલાવતો હતો. ગાડી નંબર જીજે-૦૫-આરજે-૦૫૫૧ સવાર નિમેષ સાકરિયા હંમેશાં દારૂ પીધેલી હાલતમાં એ રસ્તા ઉપર ફરતો હોવાની સ્થાનિક લોકોએ કેફિયત રજૂ કરી છે. હંમેશાં મોડી રાત્રે વીટીનગર વિસ્તારની આસપાસમાં નિમેષ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતો હોય છે. જેને લઇને ઘણી વખત લોકોએ તેને ટકોર પણ કરી હતી, પરંતુ નશામાં ચૂર રહેતો નિમેષ કોઈની વાત પણ માનતો ન હતો.
સાગરના બનેવી નિકુંજ સવાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જેમાં તેના બંને હાથમાં ફ્રેક્ચર છે અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે.
Recent Comments