સુરતમાં ૧૯ લાખના હીરા ચોરી કરનાર દંપતીની ધરપકડ
સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાકર્મીએ ૧૯ લાખના હીરાની ચોરી કરતા મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો છે. જેમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે. દંપતીએ હીરાનો માલ મહિધરપુરાના હીરા દલાલ તેજસને વેચી માર્યો હતો. દલાલને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. મહિલાકર્મીએ હીરા કારખાનામાંથી દોઢ મહિનામાં ૧૯ લાખના હીરા ગાયબ કર્યા હતા.
જેના કારણે માલિકે તપાસ કરતા મહિલાકર્મીનો ભાંડો ફુટ્યો હતો. આ અંગે કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પ્રિયંકાબેન વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની (રહે,લીમડાશેરી)ની ધરપકડ કરી છે. મહિલાનો પતિ પણ જવેલરીનું કામકાજ કરે છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં મહિલાકર્મી પ્રિયંકા સોલંકી હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી.
દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે ૩૧ કેરેટના ૫૦ સેન્ટ વજનના ૧૯ લાખના હીરા ગાયબ થયા હતા. કારખાનેદારે તપાસ કરતાં હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલ તેજસને વેચી દીધા હતા.
Recent Comments