ગુજરાત

સુરતમાં ૧ હજારથી વધુ વેપારીઓ પાસેથી ૧.૪૭ લાખનો દંડ વસુલ્યો

દેશમાં વડાપ્રધાને ૧જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યા બાદ દેશમાં તેમજ ગુજરાતમાં તેનું સઘન ચેકિંગ થવા લાગ્યું છે ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દેવાયા બાદ પણ શહેરના પ્લાસ્ટિક હોલસેલરે દુકાનદારોને સ્ટોક સપ્લાઇ કરવાનું બંધ કર્યું નથી. ૧લી જુલાઇએ પણ શહેરના ચૌટાબજાર અને ખાણી-પીણીના બજારોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ તેમાંથી બનતી ૧૭ જેટલી ચીજ-વસ્તુઓના ઉપયોગ પર પુરેપુરો અંકુશ જાેવા મળ્યો ન હતો. આ વચ્ચે પાલિકાએ શહેરભરમાં આજથી લાગુ થયેલા નિયમનું પાલન કરાવવા ૧૧૬૪ દુકાનદારોની સામે કાર્યવાહી કરી હતી. દરમ્યાન ૮૪૧ કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જાેકે અનેક સુપર માર્કેટ બાકાત રહેતાં ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. ડિસેમ્બરથી ૧૨૦ માઇક્રોન સુધીના પ્લાસ્ટિક પર બેન મુકવાનું આયોજન છે. ચૌટાબજારમાં અને વિવિધ ખાણી-પીણી બજારોમાં હજુ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. ચૌટાબજારના એક દુકાનદારે જણાવ્યું કે, પાલિકા નિયમ મુજબ કાર્યવાહી કરી રહી છે.

હોલસેલર જુનો સ્ટોક કાઢી રહ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે શહેરના તમામ ઝોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ શરૂ કરાઇ હતી. તમામ ઝોનમાં સરવે કામગીરી કરાઇ હતી. પાલિકાએ કુલ ૧૧૬૪ વિવિધ વિક્રેતાઓને ત્યાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૮૪૧.૮૩ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ ૧.૪૭ લાખ રૂપિયાનો દંડ વસુલાયો હતો. સૌથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક કતારગામ અને કોટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં ૨૩૭ દુકાનોમાંથી ૧૦૮ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. તેવી જ રીતે કતારગામમાં ૧૨૨ દુકાનદારોને ત્યાંથી ૨૨૫ કિલો, વરાછા ઝોન-એમાં ૧૨૧ દુકાનોમાંથી ૯૯ કિલો જ્યારે ઝોન-બીની ૧૦૧ દુકાનોમાંથી ૫૨ કિલો પ્લાસ્ટિક મળ્યો હતો. આ કામગીરી દરમ્યાન રાંદેર ઝોનની ૨૦૫ દુકાનોમાંથી ૮૪ કિલો જથ્થો મળી આવ્યો હતો.

Related Posts