સુરતમાં ૨૨ વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યોલગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ અપાતા ફરિયાદ
સુરતમાં ૨૨ વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે. લગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પરિણીતાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને માં બાપના ઘરે ફેંકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૨૧માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં ૧ વર્ષની દીકરી પણ છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રેમલગ્નના ૩ મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામ કાજ બાબતે ઝઘડો તકરાર કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા. તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણીતા જ્યારે ગર્ભવતી હતી, ત્યારે પણ બોલાચાલી કરી મારઝુડ કરતા હતા. આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે તો પરિણીતાને તેના પિયર વિશે ખોટા ધંધા કરે છે તેવી વાત કરવા જણાવતા હતા અને પરિણીતા આમ ન કરે તો મારઝુડ કરતા હતા. છેલ્લા ૧ મહિનાથી પરિણીતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા અને સવારના ચાર વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા અને રાત્રીના સમયે સુવા પણ દેતા ન હતા અને પરિણીતાને તેઓની પાસે ઉભા રાખતા હતા
અને પરિણીતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો. તેમજ પરિણીતાને ઘરમાં કોઈ પણ કામ કરીને મહિને ૧૫ હજાર રૂપિયા દર મહીને કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા પરિણીતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ગત ૧૪ ઓગસ્ટના રોજ રાત્રિના ૧ વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદએ વેલણ,લાકડી તથા કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેકી દઈશું, સાસરિયાઓના અત્યારચારનો ભોગ બનેલી પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તો બીજી તરફ પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments