fbpx
ગુજરાત

સુરતમાં ૩૦ વર્ષીય યુવતીએ ૪૬ દિવસની લાંબી લડત બાદ કોરોના સામે જંગ જીતી

કોરોના મહામારી સામેની લડાઈ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આ કપરા સમયમાં કોરોનાનો સામનો કરવા માટે બે બાબતો ખૂબ જ આવશ્યક છે. ‘પહેલી તકેદારી રાખવી અને બીજી હિંમત ન હારવી.’ આ સિદ્ધાંતની સાથે જ બારડોલીના ૩૦ વર્ષીય વૈશાલીબેન સોલંકીએ ૪૬ દિવસની લાંબી સારવાર બાદ કોરોના સામે જીત મેળવી છે.

બારડોલીના બાબેન ગામે વૈશાલીબેન અને તેમના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હતા. પિતા ઘરે જ સારવાર લઇ સ્વસ્થ થઇ ગયા, પરંતુ વૈશાલીબેન અને એમની માતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી હતી. માતા પાંચ દિવસની સઘન સારવાર બાદ કોરોનામુક્ત થયાં હતાં.
આ અંગે વૈશાલીબેને જણાવ્યું કે, ‘શરૂઆતના દિવસોમાં સામાન્ય ખાંસી, તાવ અને નબળાઈ જેવા લક્ષણો દેખાતા રેપિડ અને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. બંને નેગેટીવ આવ્યા બાદ તા.૨ એપ્રિલના રોજ મને શ્વાસ લેવામાં તકલીફ જણાતા બારડોલીની પ્રાઇવેટ હોસ્પિટલમાં પરિવારનાં સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી હતી. જ્યાં નિદાનમાં ફેફસામાં કફ જામી ગયો હોવાનું જણાયું હતું. જ્યાં ૪ દિવસ સારવાર લેવા છતાં તબિયત વધુ બગડતા હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી. તા.૬ એપ્રિલના રોજ બારડોલીથી એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.

વૈશાલીબહેને વધુમાં કહ્યું કે, ‘જ્યારે મને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ, ત્યારે ઓક્સિજન લેવલ ૭૨ હતું. શ્વાસ લેવામાં વધુ તકલીફ રહેવાથી ૨૨ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા તા.૨૯ એપ્રિલથી ઓક્સિજન પર રાખવામાં આવી. જ્યાં ખૂબ રાહત થતાં મને ગવર્નમેન્ટ ક્વોટામાં શેલ્બી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. શેલ્બીમાં ૬ દિવસ સારવાર મેળવ્યા બાદ ઓક્સિજન લેવલ નોર્મલ થતા તા.૧૭મી મેના રોજ રજા આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts