સુરતી યુવાને મોટી સિદ્ધિ મેળવી,રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યો
સુરતના ડિંડોલીના સ્વપ્નિલ ગુલાલે ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થયો છે. સામાન્ય પરિવારના સ્વપ્નિલે અથાગ મહેનત કરી સફળતા મેળવી હતી. તેણે નોકરીની સાથે અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જાેડાવાની સિદ્ધિ મેળવી છે. ટ્રેનિંગ લઈને પરત આવેલા સ્વપ્નિલનું સુરત એરપોર્ટલ પર સ્વાગત કરવામાં આવ્યું હતું..
નવાગામ ડિંડોલીમાં ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલકુમાર સુરેશભાઈ ગુલાલેના પિતા નિવૃત પોસ્ટ માસ્ટર છે. આર્થિક રીતે મધ્યમવર્ગીય ગુલાલે પરિવારના સ્વપ્નિલનું ધ્યેય સેનામાં જાેડાઈને દેશની સેવા કરવાનું હતું. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પુરું કરવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્વપ્નિલ અભ્યાસની સાથેસાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો.
સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલી માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. પી.ટી સાયન્સ કોલેજમાં બીએસસીમાં એડમિશન લીધું હતું. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલે પિતરાઈ ભાઈ સ્વપ્નિલને આર્મીમાં જાેડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેથી, કોલેજમાં એનસીસીમાં એડમિશન લીધું હતું. આબુ, સાપુતારા અને રાયગઢમાં એનસીસી કેમ્પસમાં ભાગ લીધો હતો. ત્યાં આકરી ટેકરીઓ ઉપર પર્વતારોહણ કર્યું હતું. આખરે તે દિવસ આવી ગયો જેની રાહ સ્વપ્નિલ અને તેનો પરિવાર જાેતા હતા.
આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી. ૧૧ મહિના સુધી ચેન્નાઈ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે. નિમણૂંક થાય બાદ રવિવાર સ્વપ્નિલ સુરત પધાર્યો હતો. ત્યારે તેના પરિવારના સભ્યો અને મિત્રોએ તેનું સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
Recent Comments