ગુજરાત

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કુખ્યાત ચીકલીગર ગેંગને ઝડપી લીધીપોલીસે સોના ચાંદીના દાગીના તેમજ વાહનો મળી કુલ ૪.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વાહન ચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને સોના ચાંદીના દાગીના તેમજ વાહનો મળી કુલ ૪.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ ૨૦થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે શહેરમાં અલગ અલગ જગ્યાએ વાહન ચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગને ભેસ્તાન ગાર્ડન નજીકથી ઝડપી પાડી હતી. પોલીસે આરોપી નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ, બલ્લેસિંગ ઉર્ફે જાેગીન્દરસિંગ, ઉર્ફે રોશનસિંગ ટાંક, ઋત્વિકસિંગ નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ ટાંક તથા જગવીરસિંગ ઉર્ફે જશબીસિંગ, રાજેશસિંગ ટાંકને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ૬૮ હજારની કિમતના સોનાના ઘરેણા,૬૭૧૫ ની કિમતના ચાંદીના ઘરેણા, એક ફોરવ્હીલ કાર, બે બાઈક, ૪ મોબાઈલ તથા રોકડા રૂપિયા ૧૦ હજાર, રેનકોટ, ટોપીયો, ફેસમાસ્ક, વાંદરા ટોપી, વાળની વિક, લોખંડનું ગ્રીલ કટર મળી કુલ ૪.૮૪ લાખની મત્તા કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ દિવસ દરમ્યાન પોતાની કાર તેમજ મોટરસાયકલ પર રેકી કરી રાત્રીના સમયે ઇકો કાર તેમજ મોટરસાયકલની ચોરી કરી અને ચોરી કરેલા વાહન પર બંધ મકાનમાં નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. અને ચોરી કરેલા વાહન બિન વારસી છોડી દે છે. આ ઉપરાંત પોતે ચીકલીગર હોય અને પોતાની ઓળખ છુપાવવા માથાના ભાગે વિક પહેરે છે અને રેઇન કોટ પહેરે છે. ચોરી કરેલા સોનાના દાગીના બેંક તેમજ ફાયનાન્સમાં ગીરો મૂકી રોકડા રૂપિયા મેળવી લેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ઘરફોડ ચોરી, સ્નેચિંગ, વાહનચોરીના ભૂતકાળમાં ૩૧ ગુના નોંધાયેલા છે.

અને દોઢેક વર્ષ અગાઉ જ તે જામીન પર છૂટ્યો છે. જામીન પર છૂટ્યા બાદ પોતાના દીકરા ઋત્વિક તેમજ ભત્રીજા જગવીરસિંગ ઉર્ફે જ્શબીરસિંગ રાજેશસિંગ ટાંકને સુરત ખાતે બોલાવી સુરત શહેરમાં થોડા સમયસુધી પોતાની કાર પર જુદી જુદી સોસાયટીમાં ફરી રેકી કરી રાત્રીના સમય દરમ્યાન ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. અને આરોપીઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. અને પોલીસ તપાસમાં ઉધના, કાપોદ્રા, કડોદરા જીઆઈડીસી, સરથાણા, ચોકબજાર, પુણા, ઉમરા, પાલ, ઉધના, લીંબાયત, પાંડેસરા વગેરે પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ૨૨ જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓએ ઘરફોડ ચોરી કરેલા સોનાના દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકેલા છે તેમજ બેંક ઓફ બરોડા વંથલી જુનાગઢ બ્રાંચ ખાતે આશરે ૧૦ તોલા સોનાના દાગીના ગીરવે મુકેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts