સુરત: ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂરું થયા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચ્યા,જાણો શું કહ્યું.
સુરતની ગ્રીષ્મા વેકરીયાને આખરે ન્યાય મળ્યો છે. દોષિત ફેનિલને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે ગ્રીષ્માના ઘરે તેણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધુનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સરકારી વકીલ નયન સુખડવાલા પણ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પરિવારને મળી સાંત્વના આપી હતી.
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગ્રીષ્માને આજે શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા આવ્યો છું. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે પણ હું અહીં આવ્યો હતો. તેના પરિવારના સભ્યો, સગા સબંધીઓને હું મળ્યો હતો. ત્યારે મેં એક વચન આપ્યું હતું કે એક એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ આ પ્રકારની ઘટનાને અંજામ તો દુર વિચાર પણ કરશે નહીં તેવી કામગીરી ગુજરાત પોલીસ કરશે. આ વચન બાદ તાત્કાલિક રેંજ આઈજીની નિરીક્ષણમાં એક એસઆઈટી બનાવવાનું નક્કી કર્યું હતું. આ મામલે SIT માં DySP ની અધ્યક્ષતામાં તપાસ શરુ કરવામાં આવી હતી. અને માત્ર 5 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તમામ પુરાવા રજુ કરાયા હતા. અને મજબુત ચાર્જશીટને કોર્ટમાં રજુ કરાઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી વકીલની ધારદાર દલીલોના ભાગરૂપે ગુજરાત કે દેશમાં ક્યારેય બની ના હોય તેવી ઘટના એટલે કે 70 જ દિવસમાં કોર્ટમાં હત્યાના કેસમાં આરોપીને ફાંસી થઇ હોય. અને જે વચન ગ્રીષ્માના માતા પિતાને આપ્યું હતું કે હું ફરી જયારે આવીશ ત્યારે ગ્રીષ્માના હત્યારાના કડકમાં સજા અપાવીને આવીશ આજે તે વચન પૂર્ણ થયું છે. અને મેં અહી આવીને ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે. આવનારા સમયમાં ગુનેગારો સામે ગુજરાત પોલીસની આ લડત અવિરતપણે ચાલશે. ક્ષણભરની આવેશમાં આવીને જો ગુનો કરશો તો છટકબારી થશે નહી તેવી કામગીરી પોલીસ કરી રહી છે. અનેક કેસોનું નિરીક્ષણ હું જાતે પણ કરી રહ્યો છું. સુરતની અંદર એક મહિનાની અંદર પોસ્કોની કેસમાં ફાંસીની સજા થઈ છે.
હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, હું સમાજના લોકોને બે હાથ જોડીને કહું છું કે કોઈ પણ તકલીફ હોય તો પોલીસ તમારો પરિવાર છે. તમે પોલીસને સંર્પક કરવા અપીલ કરું છું. ખાસ કરીને દીકરીની કોઈ વાત હશે તો તેની માહિતી બહાર નહી આવે તેની ઓળખ જાહેર નહિ થાય. અમે તેમાં યોગ્ય કામગીરી કરીશું. ગુજરાતની એક પણ દીકરી પર ગ્રીષ્મા જેવું ના થાય તેવી વ્યવસ્થા ગોઠવીશું.
Recent Comments