સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદી પર આવેલો મધર ઈન્ડીયા ડેમ છલકાયો, ઝાંઝરી નદી બે કાંઠે
સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદી પર આવેલો મધર ઈન્ડીયા ડેમ છલકાયો છે. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. અંબિકા નદીના ધસમસતા પ્રવાહથી સુરત, નવસારી અને ડાંગને અસર જોવા મળી છે.
તો બીજી તરફ વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે વહી રહી છે. વ્યારામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર ઝાંઝરીના પાણી ફરી વળ્યા છે. ટિચકિયા ગામે સ્ટેટ હાઈવે પરના પુલ સુધી પાણી પહોંચ્યા છે. પુલ પરથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. આંબાપાણી થઈ ડાંગ તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે.
સુરતમાં વરસાદ ભલે થોડા કલાકો માટે બંધ હોય પરંતુ ખાડીપૂરને લીધે હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું. જેના કારણે પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામે પ્રવેશ્યા. મિયાપુર ગામના ૫૦થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા. તો મહુવાના ઓડચ ગામે પણ પૂરના પાણીનો ભરાવો થયો. જેના કારણે મહુવા અનાવલ હાઇવે પ્રભાવિત થયો.
પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તે ખરેખર ભયાવહ છે. મહુવામાંથી પસાર થતીં પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. ત્યારે ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીરમાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. બીજી તરફ મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતા પૂરના પાણી મહુવાના ૭ ગામોમાં ફરી વળ્યા. તંત્ર દ્વારા ૮૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પૂરના પગલે મહુવાના ૫ માર્ગો બંધ કરવામાં આવ્યા. જેમાં મહુવા-નવસારી જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાતા વાહનચાલકો અટવાયા.
ભારે વરસાદથી સુરતની સ્થિતિ બેહાલ બની છે. વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે. મહુવાથી ઓડચ-અનાવલ અને નવસારીનો સ્ટેટ હાઇવે બંધ છે. ત્યારે હાઇવે પર પાણીથી ભરેલી નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. તેમાં પણ ઓડચ ગામે વધુ પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર વહેતા મહુવા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કામે લાગ્યું.
સુરત જિલ્લામાં જોરદાર વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ. જેના કારણે નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ આવતા અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. અંબિકાના ધસમસતા પ્રવાહથી નવસારી, ડાંગ, સુરતને અસર થઇ છે.
Recent Comments