સુરત મનપા અને વન વિભાગ એક મહિનામાં બે લાખ તુલસીના રોપાઓનું વિતરણ કરશે
સુરત મહાનરગપાલિકા અને વનવિભાગના સંયુકત ઉપક્રમે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા તથા વન, આદિજાતિ રાજયમંત્રી રમણભાઈ પાટકરે નવી સિવિલ ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી. આ વેળાએ મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ કોરોના વોરિયર્સ સમા ડોકટરઓ, નર્સીગ સ્ટાફને તુલસીના રોપા આપીને સન્માનિત કર્યા હતા. સાથે જ આજથી એક મહિનામાં બે લાખ તુલસીના રોપાઓ લોકોને વિતરીત કરવામાં આવશે તેમ ગણપત વસાવાએ જણાવ્યું હતું.
મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે જળ, જમીન અને વાયુ પ્રદુષણ ઘટાડીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભાવિપેઢી માટે સ્વસ્થ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવાની હિમાયત તેમણે કરી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તાઉ-તે વાવાઝોડાના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેના સ્થાને નવા વૃક્ષો વાવેતર કરવાનો નિર્ધાર વ્યકત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૦૩ના વર્ષમાં વનો બહારના વિસ્તારમાં ૨૫ કરોડ વૃક્ષો હતાં. જે ૨૦૧૭માં વધીને ૩૪ કરોડે પહોચ્યા છે. રાજય સરકારના અવિરત પ્રયાસોના કારણે ભારત સરકારના ૨૦૧૭ના સર્વે અનુસાર રાજયના વનક્ષેત્ર વિસ્તારમાં ૧૦૦ ચો.કિ.મી.ના જંગલ વિસ્તારમાં વધારો થયો હોવાનું મંત્રીએ કહ્યું હતું.
Recent Comments