fbpx
ગુજરાત

સુરત: વધુ એક પેપરકાંડ: દક્ષિણ ગુજરાતમાં T.Y.B.Com ની પરીક્ષા આપતા ૬ હજારથી વધુ કોલેજીયનોને ઉઠાડી મુકાયા.!

ગુજરાતમાં પરીક્ષાઓ પહેલા જ પેપર ફૂટી જવાનું કાંડ જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ વધુ એક પેપર ફોડ કાંડ બુધવારે દક્ષિણ ગુજરાતમાં સર્જાયું છે. બી.કોમ. ના છેલ્લા વર્ષના હજારો વિદ્યાર્થીઓની છેલ્લી ઘડીએ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવતા તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ભરૂચ, નર્મદા સહિત સાઉથ ગુજરાતની કોલેજોમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. બુધવારે ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર ૬ નું ઇકોનોમિક્સનું પેપર હતું.

પરીક્ષા આપવા ૬ હજારથી વધુ વિધાર્થીઓ કોલેજ અને પરીક્ષા ખંડમાં બેસી ગયા હતા. પેપર અને સપ્લીમેન્ટરી આપી દેતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની પણ શરૂ કરી દીધી હતી. પરીક્ષાને ૪૫ મિનિટનો સમય વીતી ગયો હતો. ત્યારે જ કોલેજ પ્રશાસન આવીને ફોડ પાડે છે કે, ઇકોનોમિક્સનું પેપર ફૂટી ગયું છે. પરીક્ષા રદ થઈ ગઈ છે.જે સાંભળતા જ ભરૂચની નર્મદા કોલેજ સહિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની તમામ કોલેજોમાં પરીક્ષા મોકૂફ કરી દેવાઈ હતી.

છેલ્લા વર્ષના બી.કોમ. ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ બે વર્ષના કોરોના કાળ પછી કારકિર્દીના ઘડતરના આખરી અને મહત્વના વર્ષ માટે વર્ષભર વાર્ષિક પરીક્ષાની મહેનત કરી હતી. જોકે પેપર એક કલાક પહેલા જ ફૂટી ગયું હતું. અને યુનિવર્સીટી તેમજ કોલેજોને પરીક્ષા શરૂ થયાની ૪૫ મિનિટ બાદ ખબર પડતાં પેપર અંતે રદ કરાયું હતું.

રાજ્યમાં LRD, જાહેર આયોગ સહિતની પરીક્ષાઓના વારંવાર ફૂટતા પેપરને લઈ ફરી NSUI એ વિરોધ નોંધાવ્યો છે. T.Y.B.Com. નું ઇકોનોમિક્સનું પેપર ફૂટવામાં તટસ્થ તપાસ અને દોષીઓને સજાની માંગ કરવામાં આવી છે. નહિતર વિદ્યાર્થી પાંખે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Follow Me:

Related Posts