fbpx
ગુજરાત

સુરત: સ્માર્ટ સિટી સમીટમાં હવામાંથી પાણી બનાવતું ‘એર ટુ વોટર’ મશીન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું, એક દિવસમાં ૧૫૦ લિટર પાણી ઉત્પાદિત કરવાની ક્ષમતા.!

અપૂરતા વરસાદના કારણે દેશના ઘણા રાજ્યો પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં વધતી વસ્તીના કારણે પાણીની માંગ બમણી થઈ જશે. એક સર્વે મુજબ વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૭ વચ્ચે ભૂગર્ભજળના સ્તરમાં ૬૧ ટકાનો ઘટાડો થયો છે. આ વરવી વાસ્તવિકતા છે, ત્યારે પાણીની તંગી અને ભાવિ સ્થિતિને નજર સમક્ષ રાખી આંધ્રપ્રદેશના હૈદરાબાદની ‘મૈત્રી એક્વાટેક’ કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે, જે હવામાંથી પાણી બનાવે છે. હાલ આ મશીન દુનિયાના ૨૭ દેશોમાં લોકોની પાણીની જરૂરિયાતને પૂરી કરી રહ્યું છે.

સુરતમાં આયોજિત ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમીટમાં હવામાંથી પાણી બનાવતું ‘એર ટુ વોટર’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એર વોટર જનરેટર દૈનિક પ્રતિ દિન ૧૫૦ લિટર પાણી હવામાંથી બનાવે છે. જેની કિંમત રૂા.બે લાખ જેટલી છે. આ મશીનનું આયુષ્ય ૧૫ વર્ષનું છે. એટલું જ નહીં, સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ મશીન સ્માર્ટ સમીટના સ્થળે પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે ડેલિગેટ્સ મહેમાનો, આમંત્રિતો માટે બે દિવસમાં ૨૯૪૬ લીટર પીવાનું શુદ્ધ પાણી જનરેટ કરી ચૂક્યું છે, હાલ સુરતના સરસાણામાં સ્માર્ટ સિટી સમીટના સ્થળે પીવાના પાણીની આપૂર્તિ મેઘદૂત કરી રહ્યું છે.

‘મૈત્રી એક્વાટેક’ કંપનીના સી.ઈ.ઓ. નવીન માથુર જણાવે છે કે, વિજ્ઞાન મુજબ હવામાં પાણી રહેલું છે અને હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને છે, ત્યારે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત વિકસિત કરવામાં આવેલું આ મશીન હવાને પાણીમાં પરિવર્તિત કરી નાંખે છે, જ્યાં દુષ્કાળની સમસ્યા અને ભૂગર્ભ જળ સમાપ્ત થઈ ગયું હોય એવા વિસ્તારો માટે ‘એર ટુ વોટર’ મશીન આશીર્વાદરૂપ બન્યું છે. કંપની દ્વારા મેઘદૂત બ્રાન્ડનેમ હેઠળ નિર્મિત એર વોટર જનરેટરમાં ૧ લિટર પાણી ઉત્પન્ન કરવાનો ખર્ચ માત્ર રૂ.૧.૫૦ થી ૨ રૂપિયા જેટલો થાય છે. સોલર પ્લેટ થકી સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે તો આ લાગત ઘટીને ૬૦ પૈસા થઈ જાય છે.. શ્રી માથુરે કહ્યું કે, કે, સમગ્ર વિશ્વ આજે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જેને હલ કરવાં માટે એર વોટર જનરેટર બનાવ્યું છે. કોઈ એક પરિવાર, શાળા-કોલેજ, કંપની કે મોટા બિલ્ડીંગ માટે ફ્રિજના કદથી શરૂ કરી ક્ષમતા પ્રમાણે અમે એક ટ્રક જેટલી સાઈઝના મશીન નિર્માણ કરીએ છીએ. રણ વિસ્તારો, દુર્ગમ પહાડી વિસ્તારો, સેનાના જવાનોના ફરજના સ્થળે આ મશીન શ્રેષ્ઠ વિકલ્પ છે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્માર્ટ સિટીમાં એવા જીવનની કલ્પના કરવામાં આવી છે, જેમાં નવા વિકાસ આયામો અને પ્રકલ્પો દ્વારા માનવજીવનની હાડમારીઓ દૂર કરી શકાય અને માનવીને સુવિધાજનક જીવનશૈલી પ્રદાન કરી શકાય. આ મશીન સ્માર્ટ સિટીની વિભાવનાને અનુસરે છે. કંપનીના સ્થાપકશ્રી રામક્રિષ્ના દ્વારા આવિષ્કાર થયેલું આ જનરેટર યુ.એન.ગ્લોબલ કાઉન્સિલ અને FSSAI દ્વારા પ્રમાણિત છે. ભારતીય રેલવે વિભાગને પણ આ ટેકનોલોજી આરોગ્ય અને પર્યાવરણ માટે અનુકૂળ જણાતાં દેશના ઘણાં સ્ટેશનો પર ‘મેઘદૂત’ મશીન ઈન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. મૈત્રી કંપની એક દિવસમાં ૪૨ લાખ લિટર પાણી ઉત્પાદિત કરતાં જનરેટરનું પણ નિર્માણ કરે છે.

સુરતના મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલાએ પણ આ કંપનીના સ્ટોલની મુલાકાત લઈને આ ટેકનોલોજી અંગે જાણીને પ્રભાવિત થયાં હતાં. મુલાકાતીઓ પણ હવામાંથી બનેલા પાણીનો આસ્વાદ માણવાનું ચૂકતા નથી.

– મેઘદૂત એર વોટર જનરેટરની શું છે ખાસિયત?

ઈકોફ્રેન્ડલી એવું આ મશીન અવાજ કરતું નથી. તે પાણીના અન્ય કોઈ પણ સ્ત્રોત પર નિર્ભર નથી, પણ સ્માર્ટ ટેકનોલોજી વડે હવામાંથી જ શુદ્ધ પાણી બનાવી લે છે. આ કંપની જરૂરિયાત મુજબ દૈનિક ૪૦ લીટર થી લઈ ૫૦૦૦ લીટરની ક્ષમતાના મશીનોનું ઉત્પાદન કરવાં માટે સક્ષમ છે. તે દરેક મોસમમાં કાર્યરત રહી શકે છે અને કોઈપણ જાતનો કચરો પેદા થતો નથી.

Follow Me:

Related Posts