સુરત : 204 કરોડનું કૌભાંડ આચરનારા આરોપી મીત કાછડિયાની દિલ્હી કસ્ટમે કરી ધરપકડ

સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી બે કન્સાઇન્મેન્ટના આધારે રૂપિયા 204 કરોડનું કૌભાંડ આચરનારા આરોપી મીત કાછડિયાની દિલ્હી કસ્ટમે ધરપકડ કર્યા બાદ સુરત કસ્ટમે સોમવારના દિવસે ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં આરોપી સામે સાત દિવસના રિમાન્ડ મંગાયા હતા. એપીપી ધર્મેશ પ્રજાપતિની દલીલો બાદ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આરોપી પાસેથી ચાર લેપટોપ મળી આવ્યા હતા પરંતુ તેને એકેયના પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યુ હતુ. આરોપીએ 30 જેટલાં કન્સાઇન્મેન્ટ અગાઉ એક્સપોર્ટ કર્યા હતા જે તમામ કન્સાઇન્મેન્ટ કોના હતા તે અંગે હજી આરોપીએ કોઈ માહિતી અધિકારીઓને આપી નથી. એક જ પાર્ટીના મોટાભાગના પોલિશ્ડ હીરા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
આરોપી મીત કાછડિયાએ સચિન એસઇઝેડમાં યુનિટ શરૂ કરી બેલમાં તૈયાર થયેલા ડાયમંડ ઇમ્પોર્ટ કરી તેની પોલિશ્ડ કરી ફરી એક્સપોર્ટ કરવાનું કામ શરૂ કર્યું હતુ. જો કે, આરોપી બેલના ડાયમંડ એક્સપોર્ટ કરવાની જગ્યાએ સુરતના હીરા બજારના કેટલાંક મોટામાથાના ઓરિજિનિલ હીરા એક્સપોર્ટ કરવાનું કામમ કરતો હતો. જે લોકો બેનંબરમાં , ડયુટી ભર્યા વગર જેણે કુદરતી હીરા બહાર મોકલવા હોય તેઓ મીતનો સંપર્ક કરતા હતા.
અધિકારીઓની તપાસમા બહાર આવ્યુ હતુ કે આરોપીએ અગાઉ આવા 30 કન્સાઇન્મેન્ટ એક્સપોર્ટ કર્યા છે. આ કન્સાઇન્મેન્ટની વેલ્યુ અધિકારીઓ જાણી શક્યા નથી. પરંતુ બે કન્સાઇન્મેન્ટની વેલ્યુ જો 204 કરોડ હોય તો બીજા 30ની રૂપિયા 3 હજાર કરોડ હોવાનુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અધિકારી સૂત્રો કહે છે કે અગાઉ જે કન્સાઇન્મેન્ટ મોકલાયા છે તેમાં જો આ જ પ્રકારના હીરા હોય તો વેલ્યુએશન એટલુ થઈ શકે છે. હાલ કંઇ કહી શકાય નહીં.
Recent Comments